બંગાળમાં અઢીસો અધિકારીઓને પંચે બદલતા મમતા અદાલત પહોંચ્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા જ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા રવિવારે એકસાથે 250થી વધુ સરકારી અધિકારીઓની બદલી કરવામાં…

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા જ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા રવિવારે એકસાથે 250થી વધુ સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ભડકી ઉઠી છે. આ બદલીઓ વિરુદ્ધ TMCના સાંસદ અને વકીલ કલ્યાણ બેનર્જીએ સોમવારે કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મંગળવારે આ મામલે ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે, જે બંગાળની ચૂંટણીમાં નવો વળાંક લાવી શકે છે.

ચૂંટણી પંચે જે 174 પોલીસ સ્ટેશનોના ઓફિસર-ઈન-ચાર્જ અને 83 બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર્સ (BDO) ની બદલી કરી છે, તેમાં હાઈ-પ્રોફાઈલ ભવાનીપુર બેઠકનો પણ સમાવેશ થાય છે જ્યાંથી ખુદ મમતા બેનર્જી ઉમેદવાર છે. મમતાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના ઈશારે તેમની વહીવટી સત્તા છીનવી લેવામાં આવી રહી છે. ખાસ કરીને નંદીગ્રામ અને ભવાનીપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં નવા અધિકારીઓની નિમણૂકને લઈને TMC એ પંચની તટસ્થતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પૂર્વ મિદનાપુર જિલ્લો, જે સુવેન્દુ અધિકારીનો ગઢ ગણાય છે, ત્યાં સૌથી વધુ 14 BDO અને ARO બદલવામાં આવ્યા છે. TMCનો આરોપ છે કે નંદીગ્રામના જે BDO સુરસિત રોયને ભવાનીપુરમાં રિટર્નિંગ ઓફિસર બનાવવામાં આવ્યા છે, તેમના સુવેન્દુ અધિકારી સાથે નજીકના સંબંધો છે. પંચના આ આદેશથી પૂર્વ મિદનાપુર અને દક્ષિણ 24 પરગણા જેવા વિસ્તારોમાં ચૂંટણી પહેલા વહીવટી ખાતું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, જેની અસર 23 અને 29 એપ્રિલના મતદાન પર પડી શકે છે.

બીજી તરફ, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે આ બદલીઓને નિયમિત પ્રક્રિયા ગણાવી છે.
પંચના સૂત્રોનું કહેવું છે કે કોઈપણ ભય કે પક્ષપાત વિના લોકો મતદાન કરી શકે તે માટે દરેક ચૂંટણી પહેલા આવા પગલાં લેવામાં આવે છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અધિકારી પક્ષપાતી ભૂમિકા ભજવતો જણાશે તો તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપે છે કે મમતા સરકારની મુશ્કેલીઓ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *