ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માતાપિતાની સંમતિ વિનાના પ્રેમ લગ્નોના કિસ્સાઓમાં થયેલા વધારાને પગલે સામાજિક સંતુલન જાળવવા માટે વિવિધ સમાજો મેદાને આવ્યા છે. પાટીદાર સમાજ બાદ હવે સમસ્ત બ્રહ્મ સમાજ પણ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે મક્કમતાથી આગળ આવ્યો છે. ગઇકાલે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી.
સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકરની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી કે જ્યારે કોઈ દીકરી ઘર છોડીને ભાગીને લગ્ન કરે છે, ત્યારે તે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખા પરિવારની પ્રતિષ્ઠા અને લાગણીઓ સાથે જોડાયેલો વિષય બની જાય છે. બ્રહ્મ સમાજની મુખ્ય માંગ છે કે, દીકરીના લગ્નની નોંધણી વખતે માતા-પિતાની સહી અને સંમતિ ફરજિયાત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પાટીદાર સમાજ દ્વારા પણ આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે આ કોઈ જ્ઞાતિનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર હિન્દુ સંસ્કૃતિ અને કૌટુંબિક વ્યવસ્થાને બચાવવાનો પ્રશ્ન છે. અનેક કિસ્સાઓમાં દીકરીઓ લાગણીમાં વહી જઈને ખોટા નિર્ણયો લેતી હોય છે અને પછી પસ્તાવાનો વારો આવે છે, ત્યારે કાયદાકીય રક્ષણ તરીકે માતા-પિતાની સહી ખૂબ જરૂૂરી છે.
આ બેઠકમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ ઠાકરની સાથે મહિલા પાંખના પ્રમુખ ધારિણીબેન શુક્લ અને યુવા પાંખના પ્રમુખ મનોજ ઉપાધ્યાય સહિતના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
