મંત્રી મંડળમાં 14થી વધુ નવા ચહેરા: જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, હિરા સોલંકી, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, સી.જે.ચાવડાનો સમાવેશ નક્કી
નવું મંત્રી મંડળ પૂર્ણ કદનું 27 સભ્યોનું હોય તેવી શકયતા
ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે આવતીકાલે મંત્રી મંડળમાં કોણ રહેશે અને કોણ નવા ચહેરા હશે તેની ખબર પડી જશે. આ બધા વચ્ચે અત્યારે મંત્રી મંડળને લઈને અટકળો તેજ બની છે.
હાલના ઘણા મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે. જેને લઈને છેલ્લા બે દિવસથી સચિવાલયમાં પણ મંત્રીઓની અવરજવર ઓછી જોવા મળી રહી છે. દરેક ધારાસભ્ય મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે એવા સંકેત મળી રહ્યાં છે કે હાલના મંત્રીઓમાંથી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાને પ્રમોશન આપવામાં આવી શકે છે. જ્યારે નવા ચહેરામાં જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રીવાબા જાડેજા સહિતના ધારાસભ્યને મંત્રીપદની ટીકીટ લાગવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પણ ઘણા સરપ્રાઈઝ નામ આપવાની શકયતાઓ પણ સેવાઈ રહી છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળની વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્યના રાજકારણમાં મોટા રાજકીય ધમાકાના સંકેતો મળી રહ્યાં છે. આ વિસ્તરણ માત્ર સામાન્ય ફેરફાર નહીં પરંતુ મોટાપાયે મેજર સર્જરી જેવું હોય શકે છે. જેમાં 10 થી વધુ હાલના મંત્રીઓને પડતા મુકાઈ શકે છે અને 14 થી વધુ નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. આ મેજર સર્જરીનું કારણ પ્રાદેશિક જ્ઞાતિગત સંતુલન જાળવવાનું અને પર્ફોર્મન્સના આધારે ટીમને મજબૂત બનાવવાનો છે.
આ મંત્રી મંડળમાં જેમને પ્રમોશન મળી શકે છે તેવા મંત્રીઓમાં હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો સમાવેશ થાય છે તેમજ અનેક વર્તમાન મંત્રીઓના ખાતા બદલાઈ તેવી પણ શકયતા છે. જેમાં મહત્વના પોર્ટફોલીયો નવા મંત્રીઓને સોંપવામાં આવી શકે છે. ગુજરાત ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સાથેનું આ મંથન સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ મિશન 2027 અને આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેબીનેટને વધુ સંતુલીત અને કાર્યક્ષમ બનાવવા માંગે છે. આવતીકાલે સાંજ સુધીમાં આ સમગ્ર રાજકીય રહસ્ય પરથી પડદો ઉંચાઈ શકે છે.
આ મંત્રીનું પત્તુ કપાવું નક્કી
કનુ દેસાઈ
મુકેશ પટેલ
કુબેર ડીંડોર
ભીખુસિંહ પરમાર
બચુ ખાબડ
જગદીશ વિશ્ર્વકર્મા
રાઘવજી પટેલ
બલવંતસિંહ રાજપૂત
ભાનુબેન બાબરીયા
કુવરજી હળપતી
કોને મળશે લાલ લાઈટવાળી ગાડી
જયેશ રાદડિયા
જીતુ વાઘાણી
રિવાબા જાડેજા
ઉદય કાનગડ
સંજય કોરડીયા
અર્જુન મોઢવાડિયા
પી.સી.બરંડા
પ્રધ્યુમન વાજા
હિરા સોલંકી
શંકરસિંહ ચૌધરી
અમીત ઠાકર
મહેશ કસ્વાલા
કૌશિક વેકરીયા
હાર્દિક પટેલ
અલ્પેશ ઠાકોર
સી.જે.ચાવડા
ચૈતન્યસિંહ ઝાલા
