જાણીતા ગુજરાતી નવલ કથાકાર અને વાર્તાકાર ઇલા આરબ મહેતાનું 6 ઓક્ટોબરે મુંબઈમાં નિધન થયું છે. તેમની ઉંમર 88 વર્ષની હતી. પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમની અંતિમયાત્રા 7 ઓક્ટોબરે બપોરે સાંતાક્રુઝ હિન્દુ શ્મશાનગૃહ ખાતે યોજાઈ હતી.
ઇલા આરબ મહેતાનો જન્મ 16 જૂન 1938ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ પ્રસિદ્ધ સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યની પુત્રી અને જાણીતી લેખિકા વર્ષા અડાલજાની મોટી બહેન હતાં. તેમનું મૂળ વતન જામનગર હતું. તેમણે રૂૂઇયા કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી હતી.
1960થી 1967 સુધી રૂૂઇયા કોલેજમાં અને 1970થી 2000માં નિવૃત્તિ સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી.
તેમણે 20થી વધુ નવલકથા અને વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’ (1966), ‘રાધા’ (1972), ‘બત્રીસ પૂતળીની વેદના’ (1982), ‘અને મૃત્યુ’, ‘દરિયાનો માણસ’, ‘વસંત છલકે’ અને ‘પરપોટાની પાંખ’નો સમાવેશ થાય છે. ‘બત્રીસ પૂતળીની વેદના’ને ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીવાદી દૃષ્ટિકોણ ધરાવતી મહત્ત્વની કૃતિ તરીકે ગણવામાં આવે છે.
તેમની લેખનશૈલીમાં સ્ત્રીના સામાજિક સંઘર્ષ અને ઓળખના પ્રશ્નોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેમને પુરસ્કાર મળ્યા હતા. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોક વ્યાપ્યો છે.
