ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ વિભાગની વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. પોલીસ દળની વધતી સંખ્યા અને બદલાતા પડકારોને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપવામાં આવતા ’DGP કમેન્ડેશન ડિસ્ક’ની સંખ્યા 110થી વધારીને 148 કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે પોલીસ વિભાગના વહીવટી કામકાજમાં મહત્વની ભૂમિકા ભજવતા સિવિલિયન સ્ટાફ માટે પ્રથમવાર ’DGP કમેન્ડેશન રોલ’ની નવી સન્માન પ્રણાલી પણ શરૂૂ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં વર્ષ 2019થી 2026 દરમિયાન 30 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી થઈ છે. છેલ્લા છ વર્ષમાં નવી રેન્જ અને જિલ્લાઓની રચના ઉપરાંત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેવી વિશિષ્ટ અને હાઇ-ટેક યુનિટ્સ પણ કાર્યરત થઈ છે. પોલીસ કમિશનરેટોના કાર્યક્ષેત્રમાં પણ વધારો થયો છે. પોલીસ દળની વધતી જવાબદારીઓ અને નવા પડકારો વચ્ચે રાત-દિવસ ફરજ બજાવતા કર્મચારીઓના ઉત્સાહ અને મનોબળને વધારવા માટે એવોર્ડ સિસ્ટમને વધુ વ્યાપક બનાવવામાં આવી છે.
સુધારેલી રિવોર્ડ સિસ્ટમ હેઠળ હવે માત્ર ગુના નિવારણ કે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી જ નહીં, પરંતુ વહીવટી ફરજ, ટ્રાફિક વ્યવસ્થાપન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતમાં સિદ્ધિ તેમજ ચૂંટણી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરીને પણ એવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવશે. સાથે જ એવોર્ડ મેળવવા માટેની લઘુત્તમ સેવાની અવધિ 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે.
’DGP કમેન્ડેશન ડિસ્ક’ની પાત્રતાના વ્યાપમાં પોલીસના વિવિધ યુનિટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), માઉન્ટેડ યુનિટ, ડોગ યુનિટ, આર્મરર તેમજ બેન્ડ સ્ટાફના જવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી પોલીસ દળની વિવિધ શાખાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળી શકશે.
પોલીસ વિભાગની કામગીરીમાં પડદા પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવતા સિવિલિયન સ્ટાફ માટે પ્રથમવાર નવી સન્માન પ્રણાલી શરૂૂ કરવામાં આવી છે. આ વર્ષથી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એકાઉન્ટન્ટ અને સ્ટેનોગ્રાફર સહિતના ઉત્કૃષ્ટ સિવિલિયન કર્મચારીઓને વાર્ષિક 10 ’DGP કમેન્ડેશન રોલ’ એનાયત કરવામાં આવશે.
DGP કમેન્ડેશન ડિસ્ક’ અને ’DGP કમેન્ડેશન રોલ’નું વિતરણ દર વર્ષે 15 ડિસેમ્બરે કરવામાં આવશે. ગુજરાત પોલીસ માટે આ તારીખ વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે આ જ દિવસે ગુજરાત પોલીસને પ્રતિષ્ઠિત ’પ્રેસિડેન્ટ કલર્સ’ (ઙયિતશમયક્ષિ’ંત ઈજ્ઞહજ્ઞીતિ) થી સન્માનિત કરવામાં આવી હતી.
આ સુધારાઓ સાથે ગુજરાત પોલીસના કોઈપણ કર્મચારી, અધિકારી કે સિવિલિયન સ્ટાફના સભ્યની અસાધારણ કામગીરી અણદેખી ન રહે અને ઉત્કૃષ્ટ યોગદાનને યોગ્ય મંચ પર સન્માન મળે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
