જામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરત

નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર 112નો વ્યાપ વધાર્યો છે.…

નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર 112નો વ્યાપ વધાર્યો છે. તેના પ્રથમ તબક્કામાં જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓને 112 સાથે સાંકળી લેવામાં આવી છે.

જામનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર સેવામાં આજે તા.23 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી જૂના 101 નંબરના સ્થાને સત્તાવાર રીતે સંકલિત ઇમરજન્સી નંબર 112 કાર્યરત કરવામાં આવી રહ્યો છે.

હવેથી આગ લાગવી, અકસ્માત સર્જાવો, રેસ્ક્યુ કામગીરી અથવા અન્ય કોઈ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોએ અલગ-અલગ ઇમરજન્સી નંબર યાદ રાખવાની જરૂૂર રહેશે નહીં. માત્ર 112 નંબર પર કોલ કરવાથી જરૂૂરી ફાયર અને ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નવી વ્યવસ્થામાં ફાયર શાખાના વાહનોમાં જીપીએસ તથા મોબાઇલ ડેટા ટર્મિનલ ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તેના કારણે કંટ્રોલ રૂૂમમાંથી ફાયર વાહનોનું વાસ્તવિક સમયનું સ્થળાંતર અને ચોક્કસ લોકેશન જાણી શકાશે તેમજ ઘટનાસ્થળે પહોંચવાનો સમય પણ મોનિટર કરી શકાશે. પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવાઓને એક જ કેન્દ્રીય કમાન્ડ સિસ્ટમ સાથે જોડવામાં આવતાં કટોકટીના સમયે જરૂૂરી તમામ એજન્સીઓ વચ્ચે વધુ ઝડપી સંકલન થઈ શકશે.

ખાસ બાબત એ છે કે નાગરિક ભૂલથી જૂના 101 નંબર પર કોલ કરશે તો પણ તે કોલ આપમેળે 112ના કેન્દ્ર પર સ્થળાંતરિત થઈ જશે. જોકે, જામનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા નાગરિકોને હવેથી કોઈપણ આગ, અકસ્માત, રેસ્ક્યુ અથવા આપાતકાલીન સહાય માટે સીધો જ 112 નંબર ડાયલ કરવા અપીલ કરવામાં આવી છે. ફાયર સેવાનો નવો ઇમરજન્સી નંબર : 112 આજથી સવારે 11 વાગ્યાથી નવી વ્યવસ્થા અમલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *