2022 ફિફા વર્લ્ડ કપના ચેમ્પિયન-કેપ્ટન અને 2026 વિશ્વ કપના રનર-અપ સુકાની લિયોનેલ મેસીએ એક મેચમાં ચાર કે વધુ ગોલ કર્યા હોય એવી તેની કરીઅરની આઠમી અસાધારણ ઘટના અમેરિકાના માયામી શહેરમાં મેજર લીગ સોકરમાં બની હતી જેમાં તેણે ઇન્ટર માયામી વતી સીએફ મોન્ટ્રિયલ સામેની મેચમાં ઉપરાઉપરી ચાર ગોલ કર્યા હતા.
39 વર્ષીય મેસીએ એમએલએસની એક મેચમાં ચાર ગોલ કર્યા હોય એવું પહેલી જ વખત બન્યું છે. તેના આ ચાર ગોલની મદદથી માયામીએ મોન્ટ્રિયલ સામે 7-1થી વિજય મેળવ્યો હતો. ઇન્ટર માયામીએ એક મેચમાં સાત ગોલ કર્યા હોય એવું પણ પ્રથમ વખત બન્યું છે. આ સાત ગોલમાંથી એક ગોલ એવો હતો જેમાં મેસીએ ગોલ કરવામાં સાથી ખેલાડી લુઇસ સુઆરેઝને મદદ કરી હતી. મેસીએ ચારમાંથી ત્રણ ગોલ (હેટ-ટ્રિક) 45 મિનિટના બીજા હાફમાં કર્યા હતા.
મેસીએ માયામીની ટીમ વતી એક મેચમાં ચાર ગોલ કર્યા હોય એવું પણ પહેલી જ વખત બન્યું છે. છેલ્લે તેણે મેચમાં ચાર ગોલ 2020ની સાલમાં સ્પેનના લા લિગા લીગમાં બાર્સેલોના વતી એઇબાર ક્લબની ટીમ સામેની મેચમાં કર્યા હતા.
ઇન્ટર માયામીના કોચ ગિલેર્મો હોયોસને તાજેતરમાં પોતાની ટીમને મેદાન પર મેચ માટે સમયસર ન પહોંચાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શનિવારે મેસીના સુકાનમાં ઇન્ટર માયામીની ટીમ કોચ વગર રમી હતી. આ ટીમને પચીસમી જુલાઈ પછી પહેલી વખત જીત મળી છે અને લાગલગાટ પાંચ મેચમાં વિજય ન મેળવી શકનારી આ ટીમ હવે ફરી જીતના માર્ગ પર આવી ગઈ છે.
