LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, આવતીકાલથી નવી કિંમત લાગુ, જાણો નવા ભાવ

  પેટ્રોલ-ડીઝલ બાદ હવે કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા…

 

પેટ્રોલ-ડીઝલ બાદ હવે કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી છે કે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થશે. જે બાદ દેશની રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે. સાથે જ કોલકાતામાં 829 રૂપિયાથી વધીને 879 રૂપિયા, મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 802 રૂપિયાથી વધીને 852 રૂપિયા થઈ જશે. ચેન્નાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 818.50 રૂપિયાથી વધીને 868.50 રૂપિયા થશે. ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે.જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નવા ભાવ મંગળવારથી અમલમાં આવશે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, એલપીજી ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ. 2 વધારવામાં આવી છે. જો કેે, તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ OMCને આપવામાં આવ્યો છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. 43000 કરોડનું વળતર આપવાનો છે. OMCને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.

એક વર્ષ બાદ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 9 માર્ચ, 2024ના રોજ જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલા 30 ઓગસ્ટ 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર થઈ ગઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *