મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર ગામમાં શાકભાજી માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણયનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રવાપર ગામના સમસ્ત રહીશો દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટરને એક જનહિત અરજી પાઠવીને આ જગ્યાએ શાકમાર્કેટ બનાવવાનો નિર્ણય રદ કરવા રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામજનો દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે, રાજાશાહી વખતે રવાપર ગામનાં વડવાઓને મળેલ ગામના પાદરની ખરાબાની જગ્યાનો લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેર ખુલ્લા મેદાન તરીકે ઉપયોગ થાય છે.
આ સ્થળે ગામના વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આ ઉપરાંત, આ જગ્યા રવાપર ગામની પ્રાથમિક સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રમવા માટેનું એકમાત્ર મેદાન છે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂૂરી છે. હાલમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ બનાવવાની યોજના નક્કી કરવામાં આવી છે. ગ્રામજનોની રજૂઆત છે કે જો આ યોજના અમલમાં મુકવામા આવશે તો શાળાના બાળકો માટેનું એકમાત્ર રમવાનું મેદાન નષ્ટ થઈ જશે અને ગામની મહત્વપૂર્ણ જગ્યા ખતમ થઈ જશે.
આથી, રવાપર ગામના ગ્રામજનોએ માંગ કરી છે કે બાળકોના હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને શાકભાજી માર્કેટ બનાવવાનો નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને શાકભાજી માર્કેટ માટે અન્ય કોઈ યોગ્ય વૈકલ્પિક સ્થળ પસંદ કરવામાં આવે. આ રજૂઆતની નકલ મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયને પણ મોકલવામાં આવી છે.
