જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વ પર યોજાતા શિવરાત્રિ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ સરકારે કરેલા લખલૂંટ ખર્ચને લઈ વિવાદ વકર્યો છે. 2025માં આયોજીત મેળામાં કાર્યક્રમ આપનારા જે કલાકારોને માત્ર 5,000 રૂૂપિયા મળ્યા હતા તે જ કલાકારોને 2026માં 1-1 લાખ રૂૂપિયાની લ્હાણી કરવામાં આવી.2025માં કલાકારો પાછળ 7 લાખનો ખર્ચ થયો હતો તેની સામે 2026માં 1 કરોડનો પાર પહોંચી ગયો. આ વધારાને લઈ જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારીને સવાલ કર્યો તો કમિટીએ અને વડી કચેરીએ નક્કી કર્યાનો જવાબ આપી જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સાધુ-સંતો આ લખલૂંટ ખર્ચાઓના મામલે મૌન ધારણ કરીને બેસી ગયા છે.
આ જ મેળામાં ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂૂપિયા જેવી માતબર રકમ ચૂકવવામાં આવી હતી. 2026માં કરાયેલા આડેધડ ખર્ચનો વિવાદ સામે આવતા ઉતારા મંડળના પ્રમુખે કહ્યું કે, ગિરનારનો પૈસો કોઈને પચતો નથી. સરકાર આ બાબતે શ્વેતપત્ર જાહેર કરે.
વર્ષ 2025માં જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારો પાછળ 7 લાખ રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે વર્ષ 2026માં 1 કરોડનો પાર પહોંચી ગયો. 2026માં સૌથી મોટી 24,00,000 રૂૂપિયાની ચૂકવણી ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને કરવામાં આવી. જ્યારે જે અઘોરી ગ્રુપને 2025માં 1.50 લાખ ચૂકવાયા હતા તેને 2026માં 10 લાખની ચૂકવણી કરવામાં આવી.
2025 અને 2026ના શિવરાત્રિ મેળામાં કરાયેલા ખર્ચની છઝઈં હેઠળ વિગત માગવામાં આવતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા. 6 કલાકારો એવા છે કે, જેઓએ 2025 અને 2026 બંને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કલાકારોને 2025માં જે રકમની ચૂકવણી કરવામાં આવી હતી તેના કરતા 3 થી 20 ગણી રકમ 2026માં ચૂકવવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ જણાવ્યું કે, વર્ષ 2026ના મિની કુંભ/મહાશિવરાત્રી મેળા દરમિયાન જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સ્થાનિક કલાકારોની પસંદગી નિયમાનુસાર સ્થાનિક સાંસ્કૃતિક કમિટી દ્વારા જ કરવામાં આવી હતી. કમિટી દ્વારા નક્કી થયા મુજબ જ સ્થાનિક કલાકારોની ચૂકવણી નક્કી કરાઈ હતી.
મોટા કલાકારોને લાખો રૂૂપિયાની ચૂકવણી અને તેમની પસંદગીની તમામ પ્રક્રિયા તેમની વડી કચેરીથી થઈ હતી, જેમાં સ્થાનિક કચેરીની કોઈ ભૂમિકા ન હતી. જીઇએમ પોર્ટલ દ્વારા પસંદ કરાયેલી બે એજન્સીઓ અને ચૂકવણી અંગે ખુલાસો કરતા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તે કોઈ વર્કશોપ ન હતો, પરંતુ મોટા કાર્યક્રમ દરમિયાન બહારથી આવતા અધિકારીઓ અને મહેમાનો તથા સ્થાનિક સ્તરની બેઝિક વ્યવસ્થાઓ માટે તે આયોજન કરવામાં આવ્યું હતું. વડી કચેરી તરફથી મળેલા ઓર્ડરના આધારે નિયમાનુસાર કામગીરી થઈ છે.
ગિરનારનો પૈસોે કોઇને પચતો નથી : ઉતારા મંડળના પ્રમુખ
જૂનાગઢ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ જણાવ્યું કે,ભવનાથ અને ગિરનારનો પૈસો કોઈને પચતો નથી, કારણ કે ગિરનાર એ પૈસા કમાવાનું સાધન નથી પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પવિત્ર ધામ છે. અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે કલાકારોને ચૂકવવામાં આવેલી રકમમાં મસમોટો ફેરફાર જોવા મળ્યો છે અને એક જ વર્ષના ગાળામાં આટલો મોટો તફાવત હોઈ જ ન શકે. ગિરનારમાં શિવરાત્રીના મેળામાં આવતા કલાકારો મહાદેવ અને ગિરનારની આરાધના માટે આવતા હોય છે, જ્યાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન અર્પણ કરવાનું હોય છે. આ સ્થળને કમાણીનું સાધન બનાવવું એ આપણી મોટી ભૂલ છે અને તે સનાતન ધર્મની સાચી ઓળખ નથી. સરકારે તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ અને જવાબદાર લોકો સામે યોગ્ય તપાસ કરીને કડક પગલાં લેવા જોઈએ.

