જીવનને મીઠાશથી નહીં, સંયમથી જીવો

જીવનની મીઠાશ ખોરાકમાં નહીં, પરંતુ માણસના સ્વભાવમાં હોવી જોઈએ. આટલું નાનું વાક્ય આજનાં યુગમાં બહુ અર્થસભર છે, કેમ કે આજે લગભગના ઘરોમાં કોઈ ને કોઈ…

જીવનની મીઠાશ ખોરાકમાં નહીં, પરંતુ માણસના સ્વભાવમાં હોવી જોઈએ. આટલું નાનું વાક્ય આજનાં યુગમાં બહુ અર્થસભર છે, કેમ કે આજે લગભગના ઘરોમાં કોઈ ને કોઈ વ્યક્તિ ડાયાબિટીસ જેવા રોગનો શિકાર બનેલું જ હશે. આ બીમારી આધેડને જ નહીં, પણ યુવાનોને વધુ ઘેરી રહી છે. દર વર્ષે 14 નવેમ્બરનાં રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવાય છે. આ દિવસ ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસ નિમિત્તે મનાવાય છે. કારણકે, તેઓએ ઈન્સ્યુલિનની શોધ કરી હતી અને કરોડો લોકોને નવી આશા આપી હતી.

માણસે આજે સમયની દોડમાં સ્વાસ્થ્યને પાછળ મૂકી દીધું છે. ઝડપી અને તૈયાર ખોરાક, ઓછો વ્યાયામ, માનસિક તાણ આવા બધા પરિબળો માણસનાં શરીરને અંદરથી ખોખલા બનાવી નાખે છે. નાના-મોટી મળતી સુવિધાઓને આપણે જ આવશ્યકતા બનાવી દીધી છે. જેમ કે મોબાઈલ પર જ બધું કામ કરવું, ચાલવા કરતા કાર જેવા વાહનોનો સતત ઉપયોગ કરવો, ફાસ્ટ ફૂડ કે તૈયાર મળતો ખોરાક જ ખાવો જેવી તો અનેક આદતો શરીરને આરામ તો આપે છે, પરંતુ છેલ્લે શરીરને બહુ મોટું નુકસાન પણ થાય છે.

“આપણે સાવ ભૂલી જ ગયા છીએ કે સૌથી મોટું ધન સ્વાસ્થ્ય જ છે.”
ડાયાબિટીસ થવાનું સૌથી મોટું કારણ હોય તો એ છે, ખાંડયુક્ત ખોરાક, તળેલો ખોરાક, ફાસ્ટફૂડ તેમજ વધુ પડતા જંકફૂડ ખાવા. ઉપરાંત બેઠાડુ જીવનશૈલી, કસરતનો અભાવ, ઘરમાં પણ બધા કામ રિમોન્ટ ક્ધટ્રોલ કે મશીનથી જ કરવાના લીધે વ્યાયામ નહીંવત થવો તેમજ મેદસ્વીપણાનાં લીધે પણ ડાયબિટીસ થાય છે. આટલું જ નહીં, સતત રહેતો તણાવ પણ માણસના શરીરનું હોર્મોનલ સંતુલન બગાડે છે, જે ડાયાબિટીસને પ્રોત્સાહન આપે છે. માતા પિતાને જો ડાયાબિટીસ હોય તો તેના સંતાનોને પણ આવી શકે છે. વધુ વજન ધરાવતી વ્યક્તિના શરીરમાં ઈન્સ્યુલિનની અસર ઘટાડે છે, જેના કારણે રક્તમાં સુગરનું સ્તર વધી જાય છે. આવા તો અનેક કારણો ડાયાબિટીસ થવા પાછળ જવાબદાર છે.

ડાયાબિટીસ એટલે આમ તો શરીરમાં સુગરનું પ્રમાણ વધવું, પરંતુ એ ફક્ત રકત બ્લડ રિપોર્ટ જ નહીં, આપણી જીવનશૈલીનું એક પ્રતિબિંબ પણ છે. જયારે શરીર પૂરતું ઈન્સ્યુલિન ઉત્પન્ન નથી કરતું અથવા તો ઉત્પન્ન થયેલી ઈન્સ્યુલિન શરીરમાં યોગ્ય રીતે કાર્ય કરતી નથી, ત્યારે સુગર રકતમાં જ રહે છે. આવી સ્થિતિ એટલે જ ડાયાબિટીસ. યોગ્ય સારસંભાળ કે પરેજી જીવનમાં અપનાવીએ તો ગમે તેવા જીવલેણ રોગને પણ ભગાડી શકાય છે.
આધુનિક ટેક્નોલોજીનાં કારણે ઘણાં કામોમાં હળવાશ જરૂૂર આવી છે. સાથે સાથે બેઠાડુ જીવન અનેક બીમારીઓ નોતરવા પણ લાગ્યું છે. શરીર અને મન તંદુરસ્ત રાખવા માટે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ તો ચાલવું જ જોઈએ. ગમતું સંગીત વગાડવું કે ગમતા પુસ્તકો વાંચવા એ કોઈ સમય બરબાદી નહીં, પણ સુખી અને આનંદિત જીવન જીવવા આવા શોખ ફરજિયાત પાળવા જોઈએ. રોજ તમે તમારાં માટે માત્ર એક કલાક કાઢો અને તમારી જોડે જ વાતો કરો કે તમે જીવન કેવું જીવી રહ્યા છો? રોગ થાય એ પહેલાં જ સ્વાસ્થ્ય માટે રોજ એક કલાક કસરત કરીને શરીરને તંદુરસ્ત બનાવો.

આમ ડાયાબિટીસ એ કોઈ અંત નથી, પણ જીવનને નવો આરંભ આપે છે. આ રોગ આપણને ઘણું શીખવી જાય છે. જેમ કે ખોરાક ખાવા માટે નહીં, પણ આરોગ્ય માટે ખાવો જોઈએ. ઘણાં લોકો ડાયાબિટીસ સાથે પણ લાબું, સ્વસ્થ અને ઉત્સાહભર્યું જીવન જીવી જાણે છે. તો ઘણાં લોકો બીમારીના નામથી ડરીને પોતાનાં શરીરને રોગનું ઘર બનવા દે છે. સ્વાસ્થ્ય માટે સમય કાઢવો એ પોતાને પ્રેમ કરવાનો સૌથી શુદ્ધ અને મજબૂત મોકો છે.
“ખોરાકમાં નહીં, પણ સંબંધોમાં મીઠાશ રાખો.
શરીરથી જ નહીં, વિચારોથી પણ તંદુરસ્ત રહો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *