નવા રીંગ રોડ પર પ્રેમ વાટીકા પાર્ટી પ્લોટમાંથી અઢી લાખના લાઈટ ડેકોરેશનની ચોરી

વરસાદના કારણે નુક્શાન થયું નથીને તે તપાસવા જતાં સામાનની ચોરી થયાની જાણ થઈ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રેમવાટીકા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા…

વરસાદના કારણે નુક્શાન થયું નથીને તે તપાસવા જતાં સામાનની ચોરી થયાની જાણ થઈ

શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રેમવાટીકા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા અઢી લાખના લાઈટ ડેકોરેશનના સામાનની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાવડીમાં 80 ફૂટ રોડ ઉપર સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રમુખ લાઈટ ડેકોરેશન નામે વ્યવસાય કરતા વિપુલભાઈ જીવરાજભાઈ પેઢડિયા ઉ.વ. 32 એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પ્રસંગોપાત ઓર્ડર પ્રમાણે લાઈટ ડેકોરેશન કરી આપવાનું કામ કરે છે અને આ લાઈટ ડેકોરેશનનો સામાન નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા પ્રેમ વાટીકા પાર્ટી પ્લોટમાં ખુલ્લી જગ્યામાં રાખતા હોય ચોમાસાની સિઝન આવતા તેઓ ગત તા. 22-5 ના રોજ છેલ્લો ઓર્ડર પુરો કરી આ પાર્ટી પ્લોટમાં લાઈટ ડેકોરેશનનો સામાન તાલપત્રીથી ઢાંકીને રાખવામાં આવ્યો હતો.

દરમિયાન છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ પડતા તેઓ વરસાદના કારણે લાઈટ ડેકોરેશનના સામાનમાં નુકશાન થયું નથી ને તે તપાસ કરવા માટે પાર્ટી પ્લોટ ખાતે ગયા હતાં ત્યારે તાલપત્રી ઢાંકીને રાખેલો સામાન જોવામાં ન આવતા આ સામાનની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. કોઈ અજાણ્યા શખ્સો લાઈટ ડેકોરેશનના સામાનની પારલાઈટ નંગ 72, વામલાઈટ નંગ 25, અલગ અલગ કેબલ આસરે 2000 મીટર, લેમ્પની લીડ નંગ 10, લેમ્પ નંગ 120, પ્લગ પોઈન્ટ નંગ 30, પેનલ પેટી નંગ 4, પારલાઈટના સ્ટેન્ડ નંગ 2 મળી કુલ રૂપિયા 2.50 લાખનો સમામાન ચોરી કરી ગયાનું જણાઈ આવતા તેમણે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઈ વી.જી. ડોડિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *