કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રોમાં સ્થાન ધરાવતા વનતારાના સ્થાપક અનંત મુકેશ અંબાણીએ કોલંબિયા સરકારને વિનંતી કરી છે કે તેઓ આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને માનવીય વિકલ્પ અપનાવે: સુરક્ષિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર થકી આ 80 પ્રાણીઓને જામનગર, ગુજરાતમાં આવેલા વનતારામાં કાયમી આવાસ પૂરો પાડશે.
કોલંબિયાના એન્વાયર્મેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર ઇરેન વેલેઝ ટોરેસને સંબોધેલા એક પત્રમાં આ અપીલ કરવામાં આવી છે, જેમાં દરેક તબક્કે કોલંબિયન સત્તાવાળાઓના નિર્દેશન અને મંજૂરી હેઠળ સંપૂર્ણ સંસાધનોથી સજ્જ એક માનવીય વિકલ્પની ઓફર કરવામાં આવી છે. આ પગલું પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યે અંબાણીની વર્ષો જૂની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે, જેના માટે તેઓ ’ગ્લોબલ હ્યુમેન એવોર્ડ’ મેળવનારા સૌથી નાની વયના અને પ્રથમ એશિયન બન્યા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાણીઓ અને લોકો માટે પરિવર્તનકઢારી વૈશ્વિક પ્રભાવ પાડવા બદલ આપવામાં આવે છે.
અનંત મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આ 80 હિપ્પોએ જાતે જન્મસ્થળ પસંદ નથી કર્યું, એટલું જ નહીં અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે તેમણે ઊભી કરી નથી. તેઓ જીવંત અને સંવેદનશીલ પ્રાણીઓ છે અને જો આપણી પાસે સુરક્ષિત અને માનવીય ઉકેલ થકી તેમને બચાવવાની ક્ષમતા હોય તો પ્રયાસ કરવાની આપણી જવાબદારી છે.
વનતારાએ કોલંબિયાના સત્તાવાળાઓ સમક્ષ એક સર્વસમાવેશી પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં વેટરનરી લીડરશિપ, પ્રાણીઓને પકડવા અને પરિવહન કરવાની નિપુણતા, બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ્સ અને હિપ્પોના વર્તમાન વાતાવરણ જેવું જ કુદરતી આવાસ ગુજરાતમાં પૂરું પાડવાની તૈયારી સામેલ છે. આ સાથે જ તમામ 80 હિપ્પોની આજીવન સંભાળ લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.
