જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલા અને દેખા દેવાની ઘટનાઓએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં જસદણની અત્યંત વ્યસ્ત ગણાતી ભડલી-ગઢાળા ચોકડી પાસે દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. રહેણાંક વિસ્તારની આટલી નજીક દીપડાની હાજરીએ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર રહેતા વન્ય પ્રાણીઓ હવે મુખ્ય માર્ગો પર જોવા મળી રહ્યા છે.
ભડલી-ગઢાળા ચોકડી પાસેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ જ્યારે રસ્તા પર દીપડાને જોયો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકોએ આ ભયાનક દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆતો કરવામાં આવી છે કે, ભડલી-ગઢાળા વિસ્તારમાં મોટું પાંજરૂૂ મૂકવામાં આવે, વન વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે, વન્ય પ્રાણીઓને માનવ વસ્તીમાં આવતા રોકવા માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. જો વન વિભાગ વહેલી તકે કોઈ પગલાં નહીં ભરે, તો કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઘટનાને પગલે આસપાસના વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. રાત્રિના સમયે ખેતરે પાણી વાળવા જતા ખેડૂતો હવે એકલા જતા ડરી રહ્યા છે. માલધારીઓને પોતાના પશુઓના શિકાર થવાનો સતત ભય સતાવી રહ્યો છે.
