ગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવી

ગીર સરહદે આવેલા ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. ઘરના ફળિયામાં રમી રહેલી…

ગીર સરહદે આવેલા ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. ઘરના ફળિયામાં રમી રહેલી 8 વર્ષની માસૂમ બાળકીને દીપડો જડબામાં દબોચીને ભાગ્યો હતો, પરંતુ કાળ બનીને આવેલા દીપડા સામે બાળકીના મામા સાક્ષાત રક્ષક બનીને ઊભા રહ્યા હતા. મામાની અપ્રતિમ હિંમતને કારણે માસૂમ બાળકીનો જીવ બચી ગયો છે.

મળતી વિગતો અનુસાર, નવા ઉગલા ગામે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ પરમારની 8 વર્ષની પુત્રી જીજ્ઞાશા પોતાના ઘરના ફળિયામાં રમી રહી હતી. આ દરમિયાન ઓચિંતો ત્રાટકેલો દીપડો જીજ્ઞાશાને માથાના ભાગેથી જકડીને ભાગવા લાગ્યો હતો. બાળકીની ચીસ સાંભળી તેના મામા હિંમતભાઈ સતર્ક થઈ ગયા હતા. પોતાની વ્હાલસોયી ભાણીને દીપડો ઉઠાવી જતો જોઈ હિંમતભાઈ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર લાકડી લઈને દીપડાની પાછળ દોડ્યા હતા. હિંમતભાઈએ બુમાબુમ કરતા કરતા દીપડો જીજ્ઞાશાને છોડીને જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.

દીપડાના હુમલામાં જીજ્ઞાશાને માથાના ભાગે અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક 108 મારફતે સૌપ્રથમ ગીરગઢડા અને ત્યારબાદ વધુ સારવાર માટે ઉનાની સરકારી પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તબીબોના જણાવ્યા અનુસાર, બાળકીની સ્થિતિ હાલ સુધાર પર છે.ઘટનાની જાણ થતા જ જશાધાર વન વિભાગનો કાફલો હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગે ગામના સીમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગ્રામજનોમાં વ્યાપેલી દહેશતને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા માટે ગામમાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *