ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા સૂચિત રેન્ટ એક્ટ બિલ 2026ના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે રોષ અને અસંતોષની લાગણી ફેલાઈ છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ સાથે જ રાજકોટના તમામ ધારાશાસ્ત્રીઓ પણ આજથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે. રાજકોટ બાર એસોસિએશન ઉપરાંત વિવિધ વકીલ મંડળોના હોદ્દેદારો, સિનિયર તેમજ જુનિયર વકીલો ખૂબ જ મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાયા હતા. જેના કારણે કોર્ટ સંકુલમાં વિરોધનો સૂર વધુ ઘેરો બન્યો છે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા સૂચિત રેન્ટ એક્ટ બિલ 2026માં એક અત્યંત વિવાદાસ્પદ જોગવાઈ છે. આ નવા સૂચિત બિલ અંતર્ગત ભાડા કરાર તેમજ ભાડા સંબંધિત તમામ વિવાદો અંગેની અદાલતી અને ન્યાયિક સત્તાઓ સીધી રીતે મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટર જેવા વહીવટી અધિકારીઓને સુપ્રત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ગઈકાલે સરકાર સાથે ગુજરાત બાર કાઉન્સિલના પ્રતિનિધિઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠકમાં રાજ્યના કાયદા મંત્રી દ્વારા કોઈ ચોક્કસ ખાતરી કે સંતોષકારક આશ્વાસન આપવામા આવ્યું ન હતું. વાટાઘાટો નિષ્ફળ જતાં બાર કાઉન્સિલ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું હતું. વકીલો અદાલતી કામગીરીથી સંપૂર્ણપણે અલિપ્ત રહેતા રાજકોટ શહેર તેમજ સમગ્ર રાજ્યની જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતોમાં અરજન્ટ મેટર્સ સિવાયની તમામ દૈનિક કાર્યવાહી સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવા પામી હતી.
વિવાદાસ્પદ બિલના વિરોધમાં ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા લેવાયેલા નિર્ણયને પૂર્ણ સમર્થન આપતા રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ સાથે જ રાજકોટના તમામ ધારાશાસ્ત્રીઓ પણ આજથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા હતા અને વકીલોએ આજે કોર્ટ પરિસરમાં એકઠા થઈને ભાડા વિધેયકના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને દેખાવો કરીને આ બિલ પાછું ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી. અચોક્કસ મુદતની આ હડતાળના કારણે સામાન્ય નાગરિકો અને પક્ષકારોના કાનૂની હિતોને કોઈ આડઅસર કે નુકસાન ન પહોંચે તે માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા વિશેષ સંવેદનશીલતા અને કાળજી દાખવવામાં આવી હતી.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નીલેશ પટેલની સંયુક્ત યાદી અનુસાર, આ સંદર્ભે એક સર્વાનુમતે વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પસાર કરાયેલા ઠરાવની નકલો રાજકોટ શહેરની તમામ અદાલતોના ન્યાયાધીશોને રૂૂબરૂૂ સુપ્રત કરવામાં આવી હતી. ધારાશાસ્ત્રીઓએ ન્યાયાધીશોને અપીલ કરી હતી કે વકીલો કે પક્ષકારોની ગેરહાજરીના કારણે કેસોમાં પક્ષકારોને કોઈ નુકસાન થાય તેવા એકતરફી કે પ્રતિકૂળ હુકમો ફરમાવવામાં ન આવે અને તમામ કેસોમાં વર્તમાન યથાવત સ્થિતી જાળવી રાખવામાં આવે.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરની અદાલતોમાં યોજાયેલી આ સફળ અને અભૂતપૂર્વ હડતાળ બાદ વિવિધ વકીલ મંડળોએ આગળની વ્યૂહરચના અંગે અત્યંત સ્પષ્ટ અને આક્રમક સંકેત આપી દીધા છે. જો ગુજરાત સરકાર દ્વારા આ સૂચિત ભાડા વિધેયક બિલ તાત્કાલિક અસરથી પાછું ખેંચવામાં નહીં આવે અથવા વકીલોની વાજબી માંગણીઓ અંગે કોઈ યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યના તમામ વકીલ મંડળોના હોદ્દેદારોની એક અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવશે. વકીલ વર્તુળોના જણાવ્યા મુજબ, સરકારના કડક વલણ સામે આગામી સમયમાં વિરોધ પ્રદર્શનના વિવિધ આક્રમક કાર્યક્રમો ઘડીને આ આંદોલનને સમગ્ર રાજ્યમાં વધુ તીવ્ર અને વ્યાપક બનાવવામાં આવશે.
ભાડા વિધેયક-2026 મુદ્દે કાલે સરકાર અને વકીલો વચ્ચે બેઠક
ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને વિવિધ વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાતના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી તમામ રજૂઆતોને હકારાત્મક અભિગમ સાથે સાંભળી હતી. સમગ્ર મુદ્દે ચર્ચા-વિચારણા કરવા માટે કમિટી બનાવીને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આ મુદ્દે આવતીકાલે વધુ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો તેમજ અમદાવાદ સ્મોલ કોઝ અને સિટી સિવિલ કોર્ટના વકીલ મંડળોના હોદ્દેદારો હાજર રહેશે.સરકાર તરફથી શહેરી વિકાસ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં ગુજરાત ભાડા વિધેયક-2026ની સંબંધિત જોગવાઈઓ અંગે બાર કાઉન્સિલ તથા વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સરકાર દ્વારા તમામ સંબંધિત હિતધારકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
