સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જતાં વિધાનસભા ભણી કૂચ, દિલ્હીના જંતરમંતરનું પુનરાવર્તન, વિદ્યાર્થી નેતા મહાતો સ્ટ્રેચરમાં બેસી કૂચમાં જોડાયા: ભાજપના પણ અલગથી દેખાવો, ઝારખંડ લોકસેવા આયોગના પૂર્વ ચેરમેનની ધરપકડ
ઝારખંડના પાટનગરમાં સરકારી પરીક્ષાઓ રદ કરવા અને ભ્રષ્ટાચારની સીબીઆઇ દ્વારા તપાસ કરવાની માગણી સાથે છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહાતો અને અન્યોના અનશન આંદોલન સામે ચાલી રહેલા આંદોલને આજે નવો વળાંક લીધો હતો. ગઇકાલે સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ રહેતાં વિદ્યાર્થીઓએ આજે વિધાનસભા ભણી કુલ કરી હતી. દરમિયાન ઝારખંડ લોકસેવા આયોગના પુર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની સીઆઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ ઠેર ઠેર બેરિકોડ તોડી આગળ વધવા લાગતાં પોલીસે તેમને રોકવા વોટર કેનનનો મારો ચલાવ્યો હતો અને બાદમાં લાઠીચાર્જ કર્યો હતો. પોલીસના બળપ્રયોગ છતાં આંદોલનકારીઓએ પીછેહઠ કરી નહોતી. મુખ્યમંત્રી હેમંત સોરેને અગાઉ પોલીસ બળપ્રયોગ નહીં કરે તેવું વચન આપ્યું હતું. તેમ છતાં જંતર-મંતરની જેમ અહીંયા પણ પોલીસ લાચાર બની ગઇ હતી અને લાઠીચાર્જ- વોટર કેનન, ટીઅરગેસનો આશરો લેવો પડયો હતો.
આજની વિદ્યાર્થી કુચમાં આંદોલનના નેતા મહાતો એમ્બ્યુલન્સ અને પછી સ્ટ્રેચરમાં બેસી કુચમાં સામેલ થયા હતા. બીજી બાજુ, વિપક્ષ ભાજપના નેતા બાબુલાલ મરાંડીની આગેવાની હેઠળ ભાજપ ધારાસભ્યોએ મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાન બહાર દેખાવો કર્યા હતા. પોલીસે 50 જેટલા નેતાઓને અટકમાં લીધા હતા.
વિધાનસભાની આસપાસ કલમ 163 લાગુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો ઇરાદો ધરાવે છે. યુવાનો નોકરી ભરતી માટે પારદર્શક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. ઝારખંડના રાંચીમાં જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં છેલ્લા 16 દિવસથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે કુચ કરતા મામલો તંગ બની ગયો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો દર્શાવવા માટે ’પુષ્પા’ પાત્રનો પોશાક પહેરીને એક વ્યક્તિ રાંચીમાં પહોંચ્યો છે.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો દર્શાવવા માટે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ટ્રેનો, બસો અને અન્ય વાહનો દ્વારા રાંચીમાં પહોંચી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભાને ઘેરવાના આહ્વાનને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર છે.
ગઇકાલે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાટાઘાટો યોજાઇ હતી. જોકે, વિદ્યાર્થી પ્રતિનિધિઓ JSSC-CGL પરીક્ષા રદ કરવાની અને સમગ્ર પ્રક્રિયાની સીબીઆઈ તપાસનો આદેશ આપવાની તેમની માંગ પર અડગ રહ્યા. વાટાઘાટો બાદ, JMM મંત્રી સુદિવ્ય કુમાર સોનુએ જણાવ્યું કે CGL પરીક્ષા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ લેવામાં આવી હતી. પરિણામે, રાજ્ય સરકાર પાસે CGL પરીક્ષા રદ કરવાનો અથવા સીધી સીબીઆઈ તપાસનો આદેશ આપવાનો અધિકાર નથી.
