36 કેસની સુનાવણીમાં 4માં સમાધાન, 4 પેન્ડિંગ અને 26 પડતા મૂકાયા
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે સાંજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મહત્વની લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાભરમાંથી આવેલા જમીન પચાવી પાડવાના કુલ 36 કેસો પર કાયદાકીય સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કલેક્ટર દ્રારા ગ્રામ્ય વિસ્તારના બે ગંભીર કેસોમાં ગુનો દાખલ કરી ત્વરિત ફરિયાદ નોંધવા પોલીસ તંત્રને આદેશ આપ્યા છે.
સમિતિ સમક્ષ રજૂ થયેલા 36 કેસોમાંથી વિગતવાર ચર્ચા-વિચારણાના અંતે 4 કેસોમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 4 કેસોને જરૂૂરી પુરાવા અને તપાસ અર્થે હાલ પેન્ડિંગ (પડતર) રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, આધાર-પુરાવાના અભાવે અથવા નિયમાનુસાર ન હોવાને કારણે સૌથી વધુ 26 કેસોને સમિતિ દ્વારા ડ્રોપ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, એડિશનલ કલેક્ટર બારોટ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના વહીવટી તંત્રના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
