પંચાયત હસ્તકની પડતર મિલકતોની રોકડી કરાશે

PPP ધોરણે ઉપયોગ કરવા રાજ્ય સરકારની તૈયારી, તમામ TDO-DDO પાસેથી વિગતો મંગાવાઇ રાજ્યની જિલ્લા તથા તાલુકા પંચાયતોને આર્થિક રીતે વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે…

PPP ધોરણે ઉપયોગ કરવા રાજ્ય સરકારની તૈયારી, તમામ TDO-DDO પાસેથી વિગતો મંગાવાઇ

રાજ્યની જિલ્લા તથા તાલુકા પંચાયતોને આર્થિક રીતે વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે પંચાયત વિભાગે મોટો પગલું ભર્યું છે. પંચાયત હસ્તકની પડતર જમીન, બિનવપરાશી મકાનો અને લાંબા સમયથી ઉપયોગ વિના પડેલી મિલકતોના સદુપયોગથી આવક ઊભી કરવાની દિશામાં સરકાર દ્વારા વિશેષ અભ્યાસ શરૂૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે રાજ્યભરના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ) અને તાલુકા વિકાસ અધિકારીઓ (ટીડીઓ) પાસે આવી મિલકતોની સંપૂર્ણ વિગતો તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અનેક તાલુકા અને જિલ્લા પંચાયતો પાસે એવી કિંમતી જમીનો છે, જે વર્ષોથી નિષ્ક્રિય હાલતમાં પડી છે. ક્યાંક જૂના મકાનો જર્જરિત બન્યા છે તો ક્યાંક મોકાની જગ્યાઓ દબાણનો ભોગ બની રહી છે. આવી મિલકતોમાંથી પંચાયતોને કોઈ આવક મળતી નથી, ઉપરથી તેની જાળવણી પાછળ ખર્ચ થતો રહે છે. આ સ્થિતિ બદલવા માટે સરકાર હવે લોકભાગીદારી અને જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ અપનાવવા તરફ આગળ વધી રહી છે.

યોજનાના ભાગરૂૂપે પડતર જગ્યાઓ પર શોપિંગ સેન્ટર, કોમર્શિયલ કોમ્પલેક્સ, પાર્કિંગ સુવિધા કે અન્ય આવકદાયક પ્રોજેક્ટ વિકસાવવાની સંભાવનાઓ ચકાસવામાં આવશે. જો આ પ્રોજેક્ટો અમલમાં આવે તો પંચાયતોને ભાડા સ્વરૂૂપે સ્થિર આવક મળશે અને સ્થાનિક રોજગારી તથા જાહેર સુવિધાઓમાં પણ વધારો થશે.

આ સાથે ચૂંટાયેલી પાંખ એટલે કે જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ સાથે સંવાદ સાધીને તેઓ પીપીપી મોડલ માટે તૈયાર છે કે નહીં તેનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે પંચાયતોની પોતાની આવક વધશે તો વિકાસકામો માટે રાજ્ય પર નિર્ભરતા ઘટશે અને ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત સેવાઓ ઝડપથી મળી શકશે.

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદે પણ આ બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું કે સ્વભંડોળની ઓછી ઉપલબ્ધિના કારણે ઘણી પંચાયતોને રોજિંદા વહિવટમાં મુશ્કેલી પડે છે. નવી આવકના સ્ત્રોત ઉભા થાય તો પાણી, સફાઈ, રસ્તા અને સ્ટ્રીટલાઈટ જેવી મૂળભૂત સેવાઓ વધુ અસરકારક રીતે પૂરી પાડી શકાય.

અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક સર્વે બાદ દરેક જિલ્લાના સંભવિત પ્રોજેક્ટોની અલગ યાદી તૈયાર કરવામાં આવશે. જ્યાં દબાણની સમસ્યા છે ત્યાં કાયદેસર કાર્યવાહી કરીને જમીન મુક્ત કરાવાશે. ત્યારબાદ પારદર્શક ટેન્ડર પ્રક્રિયા મારફતે ખાનગી રોકાણકારોને જોડવાની યોજના છે.

ત્રણ મુખ્ય મુદ્દાઓ પર માહિતી મંગાવાઈ
– હાલમાં ભાડે આપેલી મિલકતો અને તેમાંથી થતી વાર્ષિક આવક,
– સંપૂર્ણપણે બિનવપરાશી અને જર્જરિત હાલતમાં રહેલી મિલકતો,
– મોકાની પડતર જમીન જ્યાં વ્યાવસાયિક વિકાસ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *