તાલાલા તાલુકાનાં માલજીંજવા ગીર ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં કુવો ખોદવાની કામગીરી દરમિયાન અકસ્માતે ઉપરથી પથ્થરો પડતા બે શ્રમજીવીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક શ્રમિક પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તાલાલાના માલજીંજવા ગીર ગામની સીમના સાતવડલી વિસ્તારમાં આવેલ નાથાભાઈ રાજાભાઈ પરમારની વાડીમાં કુવો ખોદવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અકસ્માતે ઉપરથી મોટા પથ્થરો પડતા કુવામાં ખોદકામ કરી રહેલ જગદીશભાઈ મારવાડી (ઉ. વ.40) અને સુખદેવભાઈ મારવાડી (ઉ.વ.45)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ બનાવની જાણ આસપાસના વાડી માલિકોને થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવી કુવામાંથી બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે તાલાલા અને વેરાવળ બાદ બધું સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સુખદેવભાઈ મારવાડીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુખદેવભાઈ મારવાડી મૂળ રાજસ્થાનના વતની હતી. અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલાલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
