કોબાનું જૈન મ્યુઝિયમ ભારતની ત્રિકાળ સેવા: વડાપ્રધાન

દેશના ભૂત, વર્તમાન અને ભવિષ્ય માટે દીપજ્યોતિ: પીએમ મોદી હસ્તે મહાવીર જયંતી પ્રસંગે ઐતિહાસિક સંગ્રહાલયનું લોકાર્પણ: ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો વિકટ સંયોગોમાં દુનિયાની નજર ભારત…

દેશના ભૂત, વર્તમાન અને ભવિષ્ય માટે દીપજ્યોતિ: પીએમ મોદી હસ્તે મહાવીર જયંતી પ્રસંગે ઐતિહાસિક સંગ્રહાલયનું લોકાર્પણ: ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો

વિકટ સંયોગોમાં દુનિયાની નજર ભારત તરફ, એનો શ્રેય નરેન્દ્ર મોદીને: પદ્મસાગર સુરિશ્ર્વરજી મહારાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી કોબા જવા રવાના થયા છે. ગાંધીનગરમાં તેઓ મહાવીર જયંતિ નિમિત્તે કોબા તીર્થ ખાતે ’સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કર્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે મહાવીર જંયતિના પાવન પર્વ નિમિત્તે મને આ પવિત્ર જૈન તીર્થ આવવાનું સૌભાગ્ય મળ્યું છે. વડાપ્રધાને ક્હ્યું કે આ મ્યુઝિયમ દીપજ્યોતિ સમાન છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં જ્ઞાનનો પ્રવાહ હંમેશાં મુક્ત રહ્યો છે અને આ ધરતી મહાન ઋષિ-મુનિઓનો અવતાર રહી છે. કલ્પના કરો કે એક સમયે આપણા તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયો લાખો ગ્રંથો અને હસ્તપ્રતો (પાંડુલિપિઓ)થી છલકાતા હતા. પરંતુ કમનસીબે, વિદેશી આક્રમણકારોએ આ જ્ઞાનને પણ પોતાનો દુશ્મન માન્યું અને તેને જીવંત સળગાવી દીધું, જેના લીધે સમગ્ર માનવતાનો અમૂલ્ય વારસો નષ્ટ થઈ ગયો.

આઝાદી મળ્યા પછી આ લુપ્ત થયેલા જ્ઞાનને શોધવું અને તેને સાચવવું એ દેશની પ્રાથમિક જવાબદારી હોવી જોઈતી હતી. પરંતુ ગુલામીની માનસિકતાના કારણે કોઈએ આ તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં. આવા સમયમાં આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી જેવા સંતોએ આ વારસાનું સાચું મહત્વ સમજ્યું અને તેને બચાવવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. આજે દેશના ખૂણે-ખૂણેથી એકત્રિત કરાયેલી પ્રાચીન લિપિઓ અને તાડપત્રો ’કોબા’ (ગાંધીનગર) ખાતે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સંકલિત કરવામાં આવ્યા છે. આ ભગીરથ કાર્ય ખરેખર ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની બહુ મોટી સેવા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છેકે, વર્ષોથી, મે જોયું છે કે કોબા તીર્થ ખાતે અભ્યાસ, આધ્યાત્મિક અભ્યાસ અને સ્વ-શિસ્તની સતત પરંપરા કેવી રીતે જાળવી રાખવામાં આવી છે. અહીં મૂલ્યોનું જતન થાય છે. તેમણે કહ્યું હતું કે, આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન દર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણા પ્રાચીન વારસા માટે એક પવિત્ર મંદિર તરીકે ઉભરી આવ્યું છે. હું આ અસાધારણ પ્રયાસ માટે આપણા બધા જૈન સાધુઓ અને સંતોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું તેમના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપું છું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, PM મોદીએ ’વિકાસ અને વિરાસત’ના મંત્રને અપનાવીને ધર્મ અને વારસાના ગૌરવની એક નવી પરંપરા સ્થાપિત કરી છે. તેમણે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મ્યુઝિયમમાં 2000થી વધુ દુર્લભ અવશેષો સંગ્રહિત છે. આધુનિક સ્થાપત્ય અને પ્રાચીન વિરાસતનું અનોખું મિશ્રણ ધરાવતું આ કેન્દ્ર ઇતિહાસ અને અનુભૂતિને જોડીને જૈન ધર્મના મૂલ્યોને પ્રેરણા આપવાનું મુખ્ય માધ્યમ બનશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ શેત્રુંજ્ય પર્વતના દાદરાની બંને બાજુ ઘટાદાર વૃક્ષો વાવવાની પ્રેરણા આપી છે, જેથી ગુરુ ભગવંતો અને યાત્રાળુઓને ગરમીમાં વિહાર અને યાત્રા દરમિયાન પડતી તકલીફોમાં રાહત મળી શકે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાને ગુરુ ભગવંતો માટે કરવામાં આવેલા કાર્યોની જાત તપાસ પણ કરી હતી. આજે “જન્મકલ્યાણક વર્ષ” નિમિત્તે પ્રધાનમંત્રીના હસ્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે, જે જૈન શાસનની આન, બાન અને શાનનું પ્રતીક છે.

રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ જણાવ્યું કે, આ મહાકલ્યાણક વર્ષના અવસરે પોતાની ભારે વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવીને વડાપ્રધાનએ સંતોની પ્રસન્નતામાં વધારો કર્યો છે. દેશ માટે એ ગૌરવની વાત છે કે આપણને ચારિત્રવાન, નિષ્ઠાવાન અને સ્પષ્ટ લક્ષ્ય સાથે આગળ વધનારા વડાપ્રધાન મળ્યા છે. પીએમ મોદીના જીવનમાં સાદગી અને કર્તવ્યનિષ્ઠાનો અદ્ભુત સંગમ જોવા મળે છે; તેઓ જાણે અડધા સાધુ અને અડધા ગૃહસ્થ જેવું જીવન જીવી રહ્યા છે. પ્રજાના ઉત્થાન માટે તેમણે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે અને તેમના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વધુમાં આચાર્યએ નોંધ્યું કે, આજે વિશ્વની બદલાયેલી સ્થિતિમાં આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે, જેનો શ્રેય વડાપ્રધાનના કુશળ નેતૃત્વને જાય છે. ટોરેન્ટ ગ્રુપના માલિક સુધીર મહેતાએ જણાવ્યું હતું કે કોબા ખાતેના જ્ઞાન મંદિરમાં 3 લાખથી વધુ અમૂલ્ય હસ્તપ્રતો સુરક્ષિત રાખવામાં આવી છે. તેમણે આ કાર્યને માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢીઓ માટે જાળવી રાખવાની મક્કમ પ્રતિબદ્ધતા ગણાવી હતી. મહેતાના મતે, આ જ્ઞાન મંદિર વિશ્વનો સૌથી મોટો હસ્તપ્રત સંગ્રહ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *