એક બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ ના ફ્રેન્ચાઇઝીએ અજિંકય રહાણે, આકાશદીપ અને રચિન રવીન્દ્ર સહિતના કેટલાક ખેલાડીઓને 16મી ડિસેમ્બરની હરાજી માટે છૂટા કર્યા છે ત્યાં બીજી તરફ આ ફ્રેન્ચાઇઝીના સહ માલિક અને અભિનેત્રી જૂહી ચાવલાના પતિ જય મહેતા થોડો ઈક્વિટી હિસ્સો છૂટો કરી રહ્યા છે. બીજી રીતે કહીએ તો કેકેઆરના સહ-માલિક અને જાણીતા અભિનેતા શાહરુખ ખાનને નવા પાર્ટનર મળશે.
જય મહેતા કેકેઆર ફ્રેન્ચાઇઝીમાં પોતાનો 45%નો જે હિસ્સો છે એમાંથી અડધો હિસ્સો અમેરિકાની એરીસ મેનેજમેન્ટ નામની ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીને વેચી રહ્યા હોવાના અહેવાલો વાઈરલ થયા છે. આ ડીલ બાબતમાં બીસીસીઆઈની મંજૂરી લેવાની રહેશે.
કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે જય મહેતા કેકેઆરમાંથી 22.5 ટકાનો પોતાનો હિસ્સો વેચી રહ્યા છે. એ દ્વારા તેમને 400 મિલિયન ડોલર (અંદાજે 3,737 કરોડ રૂૂપિયા) મળશે. કહેવાય છે કેકેઆરનું હાલમાં મૂલ્ય 16,634 કરોડ રૂૂપિયા છે. એરીસ મેનેજમેન્ટ નામની અમેરિકી કંપનીનો ફૂટબોલની ઇંગ્લિશ પ્રીમિયર લીગની ચેલ્સી ટીમમાં તેમ જ અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગની માયામી ડોલ્ફિન્સ ટીમમાં ઈક્વિટી હિસ્સો ધરાવે છે.
