આંતરજ્ઞાતિય લગ્નના વિવાદ વચ્ચે કિંજલ રબારી પિયરિયામાં પરત ફરી

માતા-પિતાની લાગણીને માન આપી પરત ફર્યાની આગેવાનોની સ્પષ્ટતા, કિંજલે લગ્નની પોસ્ટ ડિલિટ કરી રાધનપુરની જાણીતી ગાયિકા કિંજલ રબારીના વિવાદાસ્પદ બનેલા આંતરજ્ઞાતિય લગ્ન પ્રકરણમાં આખરે સામાજિક…

માતા-પિતાની લાગણીને માન આપી પરત ફર્યાની આગેવાનોની સ્પષ્ટતા, કિંજલે લગ્નની પોસ્ટ ડિલિટ કરી

રાધનપુરની જાણીતી ગાયિકા કિંજલ રબારીના વિવાદાસ્પદ બનેલા આંતરજ્ઞાતિય લગ્ન પ્રકરણમાં આખરે સામાજિક મધ્યસ્થી સફળ રહી છે. રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે કિંજલ રબારી ગત રાત્રે પોતાના નિવાસે પરત ફરી છે. આ સાથે જ સમાજે સ્પષ્ટ કર્યું છે કે દીકરી પર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી, પરંતુ તે મા-બાપના પ્રેમ અને સમાજની લાગણીને માન આપીને ઘરે પરત ફરી છે.

આ વિવાદમાં સૌથી મોટો વળાંક એ આવ્યો છે કે સમાજના આગેવાને કિંજલના લગ્ન થયા હોવાની વાતને નકારી કાઢી છે. ઠાકરશી રબારીએ જણાવ્યું હતું કે, “અશોક ચૌધરી સાથે કિંજલના કોઈ લગ્ન થયા નથી. દીકરીથી નાદાનીમાં ભૂલ થઈ ગઈ હતી, પરંતુ તેણે મા-બાપની વેદના સમજી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને પોતે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો, જે પોસ્ટ હવે તેણે ડિલીટ કરી દીધી છે.

દીકરી પરત ફર્યા બાદ તેની સુરક્ષા અને ભવિષ્યને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આગેવાનોએ હકારાત્મક વલણ અપનાવ્યું છે. આગેવાનોએ ખાતરી આપી છે કે દીકરીને સમાજ તરફથી પૂરેપૂરું માન અને પ્રેમ મળશે. તેની સાથે કંઈ પણ અઘટિત નહીં થાય તેની જવાબદારી સમાજના મોભીઓ અને તેના મા-બાપની રહેશે. જ્યારે કિંજલની ઈચ્છા અંગે પૂછવામાં આવ્યું ત્યારે આગેવાનોએ જણાવ્યું કે, દીકરી હવે સમાજની મર્યાદા સમજી ગઈ છે. સમાજની સંસ્કૃતિ અને વડીલો જે નિર્ણય લેશે તે દીકરીના હિતમાં અને સર્વશ્રેષ્ઠ હશે.

આ વિવાદ દરમિયાન સમાજ દ્વારા દીકરીઓને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જેવા નિવેદનો પણ ચર્ચામાં રહ્યા હતા. આ અંગે ઠાકરશી રબારીએ જણાવ્યું કે, “દીકરી એ લક્ષ્મી છે. સમાજની માન-મર્યાદા સચવાય તે જોવાની જવાબદારી દીકરીઓની પણ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે વડીલો અને પંચો દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવામાં આવશે, તે સમાજની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને લેવાશે.

કિંજલના લગ્ન હવે સમાજનું પંચ નક્કી કરશે
કિંજલ રબારીના કેસમાં ’છોકરુ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય’ ની ઉક્તિ સાર્થક થતી જોવા મળી રહી છે. સમાજના આગેવાનોના મતે, કોઈપણ સંતાન ભૂલ કરે તો પણ મા-બાપ તેને અપનાવવા તૈયાર હોય છે. કિંજલના ઘરે પરત ફરવાથી એક મોટા સામાજિક તણાવનો અંત આવ્યો છે, જોકે હવે કિંજલના લગ્ન ક્યાં અને કોની સાથે થશે તે અંગેનો આખરી નિર્ણય સમાજના પંચના હાથમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *