જાણીતી અને પ્રસિધ્ધ વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લઘન કરે ત્યારે સમગ્ર સમાજ માટે ખોટો સંદેશ જાય છે: હેમાંગ રાવલનો કિંજલ દવેને વળતો જવાબ
કાજલ હિન્દુસ્તાની પણ કિંજલ દવેના સમર્થનમાં ઉતર્યા, જો યુવક હિન્દુ છે તો સમાજને શું વાંધો છે? જાતિવાદ શા માટે?
જાણીતી લોક ગાયિકા કિંજલ દવેએ અન્ય જ્ઞાતિના યુવક સાથે કરેલી સગાઇના મામલે વિવાદ સતત વધી રહ્ય છે. આંતર જ્ઞાતિય સગાઇ બાદ ગાયિક કિંજલ દવેના પરિવારનો બ્રહ્મ સમાજે સામાજિક બહિષ્કાર કરતા કિંજલ દવેએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. જયારે હવે ફરી એક વખત બ્રહ્મ સમાજના આગેવાને કિંજલ દવે ઉપર શાબ્દિક હુમલો કર્યો છે.
સામાજીક બહિષ્કાર બાદ જાણીતી ગાયિકા કિંજલ દવેએ જે પ્રતિક્રિયા આપી તેને લઈ હવે બ્રહ્મ સમાજ તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે કહ્યું છે કે સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો જે બહિષ્કાર કરવાનો જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે યોગ્ય છે. આ સાથે તેમણ એવો પણ દાવો કર્યો છે કે કિંજલ દવેને પૈસાનું અભિમાન છે.
આ સંજોગોમાં સમાજ દ્વારા જે નિર્ણય કરાયો છે તે બિલકુલ યોગ્ય છે. હેમાંગ રાવલે કહ્યું કે જ્યારે જાણીતી અને પ્રસિદ્ધ વ્યક્તિ સમાજના બંધારણનું ઉલ્લંઘન કરે છે ત્યારે તે સમગ્ર સમાજ માટે એક ખોટો સંદેશ જાય છે, જે અંગે વિરોધ કરવો યોગ્ય જણાય છે અને સમાજનો નિર્ણય બિલકુલ યોગ્ય છે.
આ દરમિયાન રાષ્ટ્રીય હિન્દુવાદી નેતા કાજલ હિંદુસ્તાની પણ કિંજલ દવેના સમર્થનમાં ઉતર્યાં છે. તેણે બ્રહ્મ સમાજના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું છે કે દેશમાં જાતિવાદ દૂર કરવા મહેનત કરી છીએ ત્યારે કેટલાક લોકો સમાજના ઠેકેદાર બની બેઠા છે.જો યુવક હિંદુ છે તો સમાજને શું વાંધો છે. જો યુવક હિન્દુ છે તો જાતિવાદ શા માટે ?
ઉલ્લેખનીય છે કે કિંજલ દવેની સગાઈ સિંગર ધૃવિન શાહ સાથે થતાં કિંજલ દવેના પરિવારનો પાંચ પરગડા બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવતાં વિવાદ ઊભો થયો છે. પાંચ પરગડા સમાજે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવાનો જે નિર્ણય લેેવાની ઘટના બાદ કિંજલ દવેએ એક વીડિયો સંદેશ મારફતે પ્રતિક્રિયા આપી હતી, આ બાબતને ધ્યાનમાં રાખીને બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલ તરફથી વળતો જવાબ આવ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં કિંજલ દવેએ એક વીડિયો મુકી જણાવ્યુ હતું કે, હું બહુ નસિબદાર છું કે મને એવો પરિવાર અને પિતા મળ્યા છે કે જે દિકરીની ખુશીમાં ખુશ થાય છે. મારા નિર્ણયને મે હરખ સાથે વધાવી લીધો છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જે પરિવાર ભક્તિમય છે. પરિવારના લોકો અને મારો પાર્ટનર પણ પ્રેમ કરે છે. હું જેવી છું તેવી મને આદરથી સ્વિકારી છે. બહ્મ સમાજના જે શિક્ષિત અને સમજુ લોકો છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર અસમાજિક તત્વો છે જે દિકરીઓની પાખોને કાપવાની વાત કરે છે મહેરબાની કરી તેઓને સમાજમાંથી દૂર કરો. નહીંતર સમાજ ક્યાંયનો નહીં રહે.
તમે દિકરીઓનું સારું જ કરવા માગતા હો તો દિકરીઓના શિક્ષણ માટે વાત કરો,નાની દિકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો,દિકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. 18મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજુ કેટલા બાળ લગ્નો થાય છે આપણને બધાને ખ્યાલ છે. સાડા પ્રથા ચાલે છે તેની પીડિત હું પણ છું, તમને બધાને ખ્યાલ છે.દિકરીઓના પૈસા લેવામાં આવે છે. દિકરીઓને તમે ઘૂંઘટમાં રાખો છો. પછી તમે એવું કહો છો કે અમે દિકરીઓનું સારું કરવા માગીએ છીએ. એકબાજું દીકરીઓ આર્મીમાં છે અને એક બાજુ દિકરીઓ ઘૂંઘટમાં છે એના પરથી ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ થયો છે.
બ્રાહ્મણ સમાજમાં આવી સંકુચિતતા કયાંથી આવી? 21મી સદીમાં આ શરમ જનક: વસાવડા
ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા જ હોબાળો મચ્યો છે. આ મામલે ઔદિચ્ય બ્રહ્મ સમાજે કિંજલ દવે અને તેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જાણીતા લેખક જય વસાવડા પણ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે.
જય વસાવડાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો મૂકીને જણાવ્યું છે કે, ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેની જૂની સગાઈ તૂટી પછી તે બિઝનેસમેન ધ્રુવિન શાહના પ્રેમમાં પડી અને સગાઈ કરી, તે સાથે જ તેમને નાત બહાર કરવામાં આવ્યા હોવાની જાણ થઈ છે. 21મી સદીના 25 વર્ષ થયા પછી પણ સમાજમાં આવું થાય, તે શરમજનક છે. બ્રાહ્મણ સમાજમાં આવી બધી સંકુચિતતા ક્યાંથી આવી.
મારા પોતાના પરિવાર તેમજ અનેક મિત્રોના પરિવારોમાં બ્રાહ્મણ દીકરા-દીકરીઓએ અન્ય જ્ઞાતિઓમાં પ્રેમલગ્ન કરેલા જ છે, પરંતુ તેમને કોઈએ રોક્યા નથી. હવે સમાજની ઠેકેદારીની, સનાતન અને હિન્દુ એકતાની વાતો કરવી છે. આપણા શાસ્ત્રોમાં તો એવું ક્યાંય લખ્યું જ નથી કે, આંતરજ્ઞાતિય લગ્નો ના કરવા, તો પછી હિન્દુ સમાજ આંતરજ્ઞાતિય લગ્નોથી ભડકે છે કેમ?
ભારતએ શરિયા પર ચાલતો દેશ નથી. આપણો દેશ બંધારણ પર ચાલે છે, જે સૌ કોઈને સમાનતાનો હક્ક આપે છે. જીવનસાથીની પસંદગી કરવાનો મૂળભૂત હક્ક છે. માણસે પોતે કોઈની સાથે જીવવું તે સમાજ શું કામ નક્કી કરે?
આંતરજ્ઞાતિય લગ્નનું સમર્થન કરતાં લેખકે જણાવ્યું કે, હું પોતે એક આંતરજ્ઞાતિય લગ્નનું સંતાન છું. બધા આંતરજ્ઞાતિય લગ્ન નિષ્ફળ જાય અને તેમના સંતાનો આગળ ના વધે તેવું નથી. આ ખૂબ મોટી માન્યતા છે. હકીકતમાં તો માતા-પિતા દ્વારા ગોઠવવામાં આવેલા લગ્નોમાં જ છૂટાછેડા વધારે થતા હોય છે. આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કોઈ ગુનો કે પાપ નથી, પરંતુ બંધારણ મુજબ તો તેનો વિરોધ કરવો જ ગુનો બને છે.
