રાજકીય પ્રતિનિધિઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પ્રાથમિક ડી.પી. પ્લાનમાં સમાવિષ્ટ ગામોના સર્વાંગી વિકાસ તથા ખાતેદાર ખેડૂતો અને જમીનધારકોને સંતોષકારક ભવિષ્યનું વિકાસ આયોજન મળી રહે તે હેતુથી સામૂહિક સૂચનો એકત્રિત કરી સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે શુક્રવારે રાત્રે અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલા બજરંગ પાર્ટી પ્લોટ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધરમપુર, શક્તિનગર, હર્ષદપુર, રામનગર, દાતા, કંચનપુર અને હરીપર ગામોના રાજકીય પ્રતિનિધિઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રસિકભાઈ નકુમ દ્વારા ડી.પી. પ્લાન અંગે વિગતવાર માહિતી આપી, સામૂહિક સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ખાડાની કચેરી તેમજ સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત કરી, સુવ્યવસ્થિત અને સર્વાંગી વિકાસ માટે જરૂૂરી સુધારા-વધારા અંગે માંગણી કરવામાં આવશે તેવો નિર્ણય આ બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.
