પત્નીને તેડવા જતા ન મોકલતા કેશોદના યુવાનનો રાજકોટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

ધોળકા માવતરે ગયેલી પત્નીને સાળાએ નહીં મોકલતા પગલુ ભર્યુ કેશોદમાં રહેતો યુવાન ધોળકા માવતરે ગયેલી પત્નીને તેડવા માટે રાજકોટ આવ્યો હતો. પરંતુ સાળાએ પત્નીને નહીં…

ધોળકા માવતરે ગયેલી પત્નીને સાળાએ નહીં મોકલતા પગલુ ભર્યુ

કેશોદમાં રહેતો યુવાન ધોળકા માવતરે ગયેલી પત્નીને તેડવા માટે રાજકોટ આવ્યો હતો. પરંતુ સાળાએ પત્નીને નહીં મોકલતા યુવાને રાજકોટમાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કેશોદમાં રહેતો વિજય વિરુભાઈ સોલંકી નામનો 30 વર્ષનો યુવાન રાજકોટમાં માધાપર ચોકડી પાસે હતો ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર વિજય સોલંકી તેના માતા-પિતાનો એકનો એક પુત્ર છે અને વિજય સોલંકીને સંતાનમાં એક પુત્રી છે. પત્ની ગીતાબેન ધોળકા ખાતે રહેતાં તેના પિતા બિમાર હોવાથી 17 દિવસ પૂર્વે માવતરે ગઈ હતી. વિજય સોલંકી પત્નીને તેડવા રાજકોટ માધાપર ચોકડી ખાતે આવ્યો હતો. જ્યારે તેનો સાળો ગીતાબેનને લઈને માધાપર ચોકડીએ પહોંચ્યો હતો તે દરમિયાન સાળા બનેવી વચ્ચે નજીવા પ્રશ્ર્ને રકઝક થતાં સાળાએ પત્નીને નહીં મોકલતા પતિ વિજય સોલંકીએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *