વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા, વોર્ડ નં.4માં આપના રાહુલ ભુવાની આશાસ્પદ પેનલ ભાજપ સામે ભોંભીતર, વોર્ડ નં.10માં કોંગ્રેસના ઉમેદવાર આર.જે. આભા પણ હાર્યા
મતગણતરીના પ્રારંભેથી જ એકસાથે 60 બેઠકો ઉપર ભાજપની ધરખમ લીડ સાથે વિજય કૂચ થવા લાગી હતી
ભાજપનો ગઢ એવા રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવખત ભગવો લહેરાવા જઇ રહ્યો હોવાનો ટ્રેન્ડ મતગણતરીની શરૂૂઆતથી જ સ્પષ્ટ થવા લાગ્યો હતો. ઇવીએમ ખુલતાની સાથે જ એકસાથે 60 બેઠક પર ધરખમ લીડ સાથે ભાજપની વિજય કૂચ સળસળાટ દોડવા લાગી હતી. 18 વોર્ડ પૈકી જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં.16માં જ કોંગ્રેસની પેનલ આગળ હતી. એ સિવાય તમામ વોર્ડમાં કોંગ્રેસને લીડ કાપવી અઘરી પડે તેવી સરસાઇ સાથે ભાજપના તમામ ઉમેદવારો વિજય રથ પર સવાર થવા લાગ્યા હતા.
બીજીબાજુ ભાજપનો પરંપરાગત ગઢ ગણાતા વોર્ડ નં.7, 8 અને 9માં ભાજપનો વિજય વાવટો ફરકે એ પહેલા જ મતદાનની રાત્રે ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને વિજયજશ્ન મનાવી લીધો હતો. જે વોર્ડમાં મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપ જીત ભણી આગળ નીકળવા લાગી હતી એ વોર્ડમાં ઉમેદવારો વિજય સરઘસ પણ કાઢવા લાગ્યા હતા. સૌરાષ્ટ્રના રાજકારણમાં હજુ પાપા પગલી કરતી આપ પાર્ટી માટે જ્યા સૌથી મોટી આશા હતી એ વોર્ડ નં.4માં રાહુલ ભુવાની આખી પેનલ તોતીંગ માર્જિન સાથે ભાજપ સામે ભોભીંતર થઇ ગઇ હતી. રાજકોટમાં આ વખતે ભાજપ માટે અનેક અટકળોનો દોર હતો. ટિકિટ ફાળવણીમાં સિનિયરોની અવગણનાથી કાર્યકર્તાઓમાં નારાજગી એ મુખ્ય પરિબળ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતુ. આ ઉપરાંત કેટલાક આયાતી ઉમેદવારોને લઇને પણ કાર્યકરોમાં નારાજગી હતી.
જો કે આ બધા પરિબળો વચ્ચે પણ ભાજપે રાજકોટનો ગઢ જાળવી રાખ્યો છે. મતગણતરીની પ્રથમ એક કલાકમાં જ એકસાથે 60 બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ નીકળી ગયા હતા. જેમ જેમ રાઉન્ડ આગળ વધતા ગયા તેમ ભાજપના ઉમેદવારોની લીડ આસમાનને આંબવા લાગી હતી. આ લખાય છે ત્યારે પ્રથમ ચાર રાઉન્ડના અંતે જ્યા સંવેદનશીલ ડિમોલિશન થયુ હતુ એ જંગલેશ્વરનો વિસ્તાર જેમા આવે છે એ એકમાત્ર વોર્ડ નં.16માં કોંગ્રેસની પેનલ વિજેતા જાહેર થઇ છે. બાકીના તમામ વોર્ડમાં ભાજપ વીનમાં છે.
આપના આશાવાદી રાહુલ ભુવાનો જનાધાર બમણો જરૂૂર થયો પણ જીત ન અપાવી શક્યો
આપ પાર્ટી રાજકોટમાં ખાતુ ખોલશે તેવી આશા પક્ષને હતી. તેના માટે વોર્ડ નં.4 મુખ્ય હતો. આ વોર્ડમાં તાકાતવર કહી શકાય તેવા રાહુલ ભુવાને ફરી ટિકિટ આપવામા આવી હતી. ગત ચૂંટણીમાં રાહુલ ભુવા 4000 મત લઇ ગયા હતા. એ વખતે તો આમ આદમી પાર્ટીએ રાજકોટમાં માત્ર પગરણ જ કર્યા હતા. આ વખતે રાહુલ ભુવા ઉપર પાર્ટીને ખુબ આશા હતી. જો કે અહીં પણ આપ પાર્ટી ખાતુ ખોલાવી શકી ન હતી. પરજીત રાહુલ ભુવા માટે સારી બાબત એ કહી શકાય કે ગત ચૂંટણી કરતા આ વખતે તેનો જનાધર જરૂૂર વધ્યો છે. ગત વખતે તેમને 4000થી વધુ મત મળ્યા હતા. આ વખતે 10 હજારથી વધુ મત લઇ ગયા છે. જે કોંગ્રેસને ડેમેજ કર્યુ હોવાનું મનાઇ રહ્યુ છે.
જે વોર્ડમાં ઓછું મતદાન થયું હતું ત્યાં ભાજપનો દબદબો
એસ.આર.આઇ.ની કામગીરી થયા બાદ એવી આશા હતી કે રાજકોટમાં મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા ધરખમ રીતે વધી શકે છે. જો કે મતદારોની નિરાશા, કાળજાળ ગરમી, સ્લીપ વિતરણના ધાંધિયા, તમામ પક્ષોમાં આંતરિક ડખ્ખા સહિતના અનેક પરિબળો વચ્ચે મતદાન ધાર્યા કરતા ઘણુ ઓછુ થયુ હતુ. આમછતા ભાજપને કોઇ મોટુ નુકસાન થયુ નથી. આજે મતપેટી ખુલ્યા બાદ જે વોર્ડમાં ઓછુ મતદાન થયુ હતુ એ તમામ વોર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે.
જંગલેશ્વરની જનતાનો રોષ ઇવીએમમાંથી નીકળ્યો
જંગલેશ્વરમાં 900થી વધુ મકાનોનુ ડિમોલિશન થયુ ત્યારથી જ ચિત્ર સ્પષ્ટ હતુ કે, ભાજપને આ વિસ્તારમાં મોટુ નુકસાન સહન કરવુ પડશે અને આજે જ્યારે ઇવીએમ ખુલતા જ આ ધારણ સાચી પડી હતી. જંગલેશ્વરની આવરી લેતી વોર્ડ નં.16માં કોંગ્રેસની આખે આખી પેનલ વિજેતા થઇ છે. જંગલેશ્વરમાં હજુ પણ 700થી વધુ મકાનોના ડિમોલશનનો બીજો રાઉન્ડ આવી જ રહ્યો છે એ ત્યાના સૌ રહેવાસીઓને ખબર જ હોય તેનો રોષ આજે ઇવીએમમાંથી નીકળ્યો હતો. કોંગ્રેસના તમામ ઉમેદવારોને જીતાડીને જંગલેશ્વરવાસીઓએ ભાજપ સામે આક્રોષ ઠાલવ્યો છે.
