કેજરીવાલને કટ્ટર ‘ઇમાનદાર’નું સર્ટિ. ગુજરાતમાં બનશે ગેમ ચેન્જર ?

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે જ ભાજપનું દિલ્હીના દારૂ કૌભાંડનું બ્રહ્માસ્ત્ર ફેલ, હવે પ્રચાર માટે નવી રણનીતિ ઘડવી પડે તેવી સ્થિતિ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોર્ટની ક્લિનચિટથી…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે જ ભાજપનું દિલ્હીના દારૂ કૌભાંડનું બ્રહ્માસ્ત્ર ફેલ, હવે પ્રચાર માટે નવી રણનીતિ ઘડવી પડે તેવી સ્થિતિ

ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોર્ટની ક્લિનચિટથી આમ આદમી પાર્ટીને મજબૂત મુદ્દો મળ્યો, હવે એજન્સીઓના દૂરુપયોગના કાઉન્ટર એકેટની તક

‘વિક્ટિમ’ કાર્ડ ‘વિક્ટરી’ કાર્ડમાં ફેરવાઇ જતાં પ્રચારના મુદ્દા પણ બદલાશે, ભાજપ અચાનક બચાવની સ્થિતિમાં, સોશિયલ મીડિયા ઉપર સૌથી મોટી વોર

દિલ્હીની એક્સાઇઝ પોલિસી (દારૂૂ કૌભાંડ) કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓને મળેલી નિર્દોષ છૂટકારાની અસર માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની સીધી અને વ્યાપક અસર આગામી ગુજરાતની (મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતો)ની ચૂંટણીઓ પર જોવા મળી શકે તેમ છે. આ ચુકાદો ગુજરાતમાં ભાજપ અને ’આપ’ વચ્ચેના રાજકીય જંગને એક નવો વળાંક આપી શકે છે.

ગુજરાતના રાજકીય રણમેદાનમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે જંગ જામવાનો છે, તેમાં અરવિંદ કેજરીવાલની નિર્દોષ મુક્તિ એક ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થશે. અત્યાર સુધી ગુજરાત ભાજપ માટે દિલ્હીનું કથિત દારૂૂ કૌભાંડ એ ‘બ્રહ્માસ્ત્ર’ સમાન હતું. ભાજપની રણનીતિ સ્પષ્ટ હતી: શહેરી અને શિક્ષિત મતદારો વચ્ચે ‘આપ’ની કટ્ટર ઈમાનદાર છબીને તોડી પાડવી અને તેમને ભ્રષ્ટાચારી સાબિત કરી જનતાથી દૂર કરવા.પરંતુ, કોર્ટના તાજેતરના ચુકાદાએ ભાજપના આ પાવરફુલ પ્રચારની ધાર સાવ બુઠ્ઠી કરી નાખી છે અને કોર્ટે જ કેજરીવાલને ‘ઇમારદાર’નું સર્ટિફિકેટ આપી દેતા આમ આદમી પાર્ટીને પ્રચારના મજબૂત મુદ્દા સાથે કાઉન્ટર એટેકનો મોકો મળી ગયો છે. શિક્ષિત અને ખાસ કરીને ફલોટિંગ વોટર્સ ઉપર આ ચુકાદાની મોટી અસર પડી શકે તેમ છે.

ભાજપના નેતાઓ અત્યાર સુધી દરેક રેલી અને પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના એક્સાઇઝ કેસનો ઉલ્લેખ કરીને ‘આપ’ને સવાલોના કટઘરામાં ઊભી રાખતી હતી. આ મુદ્દાને કારણે મધ્યમ વર્ગનો જે મતદાર નીતિમત્તા અને ભ્રષ્ટાચારના મુદ્દે સંવેદનશીલ છે, તેના મનમાં ‘આપ’ પ્રત્યે શંકા પેદા કરવામાં ભાજપ ઘણી અંશે સફળ રહ્યું હતું. હવે જ્યારે કોર્ટે જ કેજરીવાલને ક્લીન ચીટ આપી દીધી છે, ત્યારે ભાજપ પાસે ભ્રષ્ટાચારના નામે આક્ષેપો કરવાનો કોઈ નૈતિક આધાર બાકી રહ્યો નથી. ઉલટાનું, હવે ભાજપ જો આ મુદ્દો ઉઠાવશે તો જનતા તેને રાજકીય કિન્નાખોરી તરીકે જોશે. સાથો સાથ સરકારી એજન્સીઓના દૂરઉપયોગનો મુદ્દો ભાજપ માટે ચિંતા ઉભી કરી શકે છે.

ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં વેપારી માનસ ધરાવતા અને શિક્ષિત મતદારોની સંખ્યા મોટી છે, ત્યાં ‘કોર્ટનો ચુકાદો’ ખૂબ જ મહત્વ ધરાવે છે. હવે સ્થાનિક ચૂંટણીના પ્રચારમાં ‘આપ’ના નેતાઓ માત્ર વાતો નહીં કરે, પણ કોર્ટના આદેશની નકલો બતાવીને મતદારોને સમજાવશે કે તેમને જાણીજોઈને હેરાન કરવામાં આવ્યા હતા. આ વિક્ટિમ કાર્ડ (અન્યાયનો મુદ્દો) હવે વિક્ટરી કાર્ડ (જીતનો મુદ્દો) માં ફેરવાઈ ગયો છે. શિક્ષિત વર્ગમાં હવે એવી છાપ ઊભી થશે કે ‘આપ’ ખરેખર સિસ્ટમ સામે લડી રહી છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવી હતી.
ગુજરાત ભાજપનું સોશિયલ મીડિયા સેલ અત્યાર સુધી જેલના ફોટા અને ભ્રષ્ટાચારના મીમ્સ દ્વારા ‘આપ’ની છબી ખરાબ કરતું હતું. હવે રમત પલટાઈ ગઈ છે. ‘આપ’નું આઈટી સેલ હવે કોર્ટના ચુકાદાને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ભાજપને ‘સત્ય વિરોધી’ સાબિત કરવામાં પૂરી તાકાત લગાવી દેશે. આનાથી એવા તટસ્થ મતદારો પર ઊંડી અસર પડશે જેઓ હજુ સુધી નક્કી નહોતા કરી શક્યા કે કોને વોટ આપવો.

હવે ભાજપે સ્થાનિક ચૂંટણી જીતવા માટે માત્ર ‘આપ’ની ટીકા પર નિર્ભર રહેવાને બદલે પોતાના કામ અને વિકાસના મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ‘આપ’ હવે જે રીતે ભ્રષ્ટાચારના મુદ્દે રક્ષણાત્મક સ્થિતિમાંથી બહાર આવીને આક્રમક બની છે, તેને રોકવા માટે ભાજપે નવી રાજકીય વ્યૂહરચના ઘડવી પડશે. જો ભાજપ સમયસર આ બદલાવ નહીં લાવે, તો શિક્ષિત મધ્યમ વર્ગના મતોનું મોટા પાયે ‘આપ’ તરફ ધ્રુવીકરણ થવાની પૂરી શક્યતા છે.

છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દિલ્હીના નેતૃત્વ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે ક્યાંકને ક્યાંક બચાવની સ્થિતિમાં હતા. ભાજપ દ્વારા કટ્ટર ઈમાનદાર હોવાના દાવા સામે જે સવાલો ઉઠાવવામાં આવતા હતા, તેનો જવાબ આપવો કાર્યકરો માટે અઘરો હતો. પરંતુ હવે કેજરીવાલ-સિસોદીયા નિર્દોષ છૂટકારા બાદ, ‘આપ’નું સંગઠન ફરી એકવાર આક્રમક બનીને મેદાનમાં ઉતરશે. સ્થાનિક ચૂંટણીઓમાં હવે તેઓ ષડયંત્ર અને સત્યની જીત જેવા ભાવનાત્મક મુદ્દાઓ સાથે જનતા સમક્ષ જશે.
ગુજરાત ભાજપ માટે દિલ્હીનું દારૂૂ કૌભાંડ એ આમ આદમી પાર્ટીને પછાડવાનું સૌથી મોટું શસ્ત્ર હતું. આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ આ મુદ્દાને ચગાવીને મતદારોને ‘આપ’થી દૂર રાખવાની યોજના ધરાવતું હતું. પરંતુ કોર્ટના આ ફેંસલાએ ભાજપના એ પ્રચારની ધાર બુઠ્ઠી કરી દીધી છે. હવે જો ભાજપ ભ્રષ્ટાચારની વાત કરશે, તો ‘આપ’ પાસે કોર્ટની ક્લીન ચીટનું પ્રમાણપત્ર હશે, જે મધ્યમ વર્ગના શિક્ષિત મતદારો પર ઊંડી અસર પાડી શકે છે.

અરવિંદ કેજરીવાલનો આ છૂટકારો ગુજરાતના રાજકારણમાં ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે. ભાજપ માટે હવે માત્ર ‘ભ્રષ્ટાચાર’ના મુદ્દે પ્રહાર કરવા પૂરતા નહીં રહે, તેમણે પોતાની કામગીરી અને વિકાસના મુદ્દે વધુ મજબૂતીથી લડવું પડશે. બીજી તરફ, જો આમ આદમી પાર્ટી આ લહેરનો ઉપયોગ મતોમાં કરવામાં સફળ રહે, તો ગુજરાતમાં વર્ષોથી ચાલતા ભાજપ-કોંગ્રેસના દ્વિપક્ષીય શાસન સામે તે એક મજબૂત ત્રીજો વિકલ્પ બનીને ઉભરશે.

ફલોટિંગ વોટર્સ ‘આપ’ તરફ ખેંચવા કેજરીવાલ આક્રમક બનશે
સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં આમ આદમી પાર્ટીએ અગાઉ પણ ભાજપને ટક્કર આપી છે. કેજરીવાલના જેલમુક્ત થવાથી હવે તેઓ પોતે ગુજરાતમાં રોડ-શો અને સભાઓ કરી શકશે. કેજરીવાલનો પ્રભાવ ખાસ કરીને એવા મતદારો પર વધુ છે જેઓ ભાજપથી નારાજ છે પણ કોંગ્રેસને વિકલ્પ માનતા નથી. કેજરીવાલની મુક્તિથી આ ‘ફ્લોટિંગ વોટર્સ’ ફરી એકવાર ઝાડુ તરફ વળી શકે છે, જે ભાજપની બેઠકોમાં ગાબડું પાડી શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં ‘દિલ્હી મોડેલ’ની વાપસી, ‘આપ’ માટે આશાનું કિરણ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાયાની સુવિધાઓ જેમ કે મફત વીજળી, સારી સરકારી શાળાઓ અને મહોલ્લા ક્લિનિક જેવા મુદ્દાઓ ખૂબ જ પ્રભાવશાળી સાબિત થાય છે. કેજરીવાલ હવે વધુ મજબૂતીથી આ ‘દિલ્હી મોડેલ’ને ગુજરાતના ગામડાઓ સુધી લઈ જશે. કોંગ્રેસ જ્યારે આંતરિક વિખવાદમાં વ્યસ્ત છે, ત્યારે કેજરીવાલની સક્રિયતા ભાજપ વિરોધી મતોનું ધ્રુવીકરણ ‘આપ’ તરફ કરી શકે છે. આમ પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તાોરમાં ભાજપ સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ‘આપ’ માટે આશાનું વધુ એક કિરણ ઉગ્યુ છે.

પાટીદાર અને કોળી વોટબેંક ઉપર અસર થાય તો ભાજપને ભારે પડશે
સુરત એ ગુજરાતમાં ‘આપ’નો ગઢ મનાય છે. કેજરીવાલની મુક્તિ બાદ સુરતના પાટીદાર અને મધ્યમ વર્ગના મતદારોમાં ફરી એકવાર નવો ઉત્સાહ જોવા મળી શકે છે. જો સુરતમાં ‘આપ’ પોતાની સ્થિતિ સુધારે, તો તેની અસર આખા દક્ષિણ ગુજરાતની પંચાયત ચૂંટણીઓ પર પડી શકે છે. આ સિવાય છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલા નવા રાજકીય સમીકરણોના કારણે સૌરાષ્ટ્રના પાટીદારો ભાજપથી નારાજ છે અને ‘આપ’ તરફ આકર્ષાયા છે. વિસાવદરની પેટાચૂંટણી તેનુ તાજુ ઉદાહરણ છે. ત્યારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આગામી ચૂંટણીઓમાં જો પાટીદારોના મતોમાં થોડુઘણુ પણ ધૃવિકરણ થાય તો ભાજપને ભારે પડી શકે તેમ છે. આ ઉપરાંત ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી વોટબેંક ગણાતો કોળી સમાજ પણ ભાજપની નારાજ જણાય છે. કોળી નેતા પરસોત્તમ સોલંકી સામે વિક્રમ સોલંકીએ ‘આપ’નો ઝંડો ઉપાડી લીધો છે અને બગદાણા પ્રકરણ વધુ ગરમાય તો ભાજપને ભારે પડી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *