રાજકોટ એસ.ટી બસ પોર્ટના અમુક અધિકારીઓના ઉધ્ધતાઈ પૂર્વકના વર્તન, મનમાની, તાનાશાહી અને જોહુકમીના પગલે રાજકોટ એસ.ટી બસ બસપોર્ટ પર આવતા તમામ મુસાફરો ને ફરિયાદ અને સૂચન કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. અમુક અધિકારીઓની બેદરકારી અને લાપરવાહી તેમજ ગેર વ્યાજબી અને બે જવાબદારી પૂર્વકના વર્તન ને કારણે રાજ્યભરમાં રાજકોટ એસ.ટી ડેપોની છાપ ખરડાઈ છે. સરકાર એક બાજુ માહિતી આપવી અને માહિતી અધિકારના કાયદાનો સવિશેષ અમલવારી થાય તે માટે લોકો પોતાની ફરિયાદો અને સૂચનો આપી શકે તે માટે વખતો વખત જાહેરાતો પણ કરે છે.
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે અને બસપોર્ટ પર 1500થી વધુ બસોની અવરજવર રહે છે ચાર ચાર ટ્રાફિક કંટ્રોલર બેસે છે હજારો મુસાફરોની અવરજવર રહે છે ત્યારે તે બસપોર્ટ પર કોઈ મુસાફર ફરિયાદ કે સૂચન કરવા ફરિયાદ બુક માંગે તો આપવામાં આવતી નથી અને ઠાગાઠૈયા કરવામાં આવે છે જો કે તમામ ફરિયાદ બુકો ગુમ કરી દેવામાં આવી છે. તારીખ 13/3 ના સવારે 9:35 કલાકે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં ફરિયાદ બુક માગવામાં આવતા ફરિયાદ બુક ન આપાતા કહેવામાં આવ્યું કે ઓનલાઇન જ ફરિયાદ કરો. ફરિયાદ બુક નથી જે પગલે ફરજ પરના એ.ટી.આઈ સ્ટેન્ડ ઇન્ચાર્જોને બોલાવી ફરિયાદ બુકો આપવા રજૂઆત કરતા તેઓએ જણાવ્યું કે ડેપો મેનેજર અમારો ફોન ઉપાડતા નથી મિટિંગમાં હશે, વિસ મિનિટ સુધી ફરિયાદ બુક ન અપાતા આ અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિને પડેલ હાલાકી અંગે અને ફરિયાદ બુક કયા કારણથી આપવામાં આવી નથી આ અંગે જવાબદાર કોણ ? તે અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડાયરેક્ટને અને રાજકોટના વિભાગીય નિયામકને ફરિયાદ બુકો ગુમ કરી દેવામાં કોની ભૂમિકા છે તે અંગેની તટસ્થ તપાસ કરી ફરિયાદ બુક ગુમ કરી દેવાના કારણની સ્પષ્ટતા કરવા અને આ અંગે જવાબદાર સામે એસ.ટી બસ પોર્ટ ના સીસી ફૂટેજ મેળવી નિયમ મુજબ કાર્યવાહી કરવા લેખિતમાં ફરિયાદ કરાશે.
ચાર ટ્રાફિક કંટ્રોલર બેસતા હોય ત્યારે ચારેય પાસે અલગ અલગ ફરિયાદ બુકો હોવી ફરજીયાત છે. અને ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ પાસે પણ હોવી જોઈએ પરંતુ ફરિયાદ બુક ન આપી જાગૃત મુસાફરોની અવગણના કરવામાં આવે છે. અને રાજ્ય સરકારના અને વિભાગીય નિયામકના ફરિયાદ બૂકો આપવી તેવા આદેશનો ઉલાળીયો કરી દેવામાં આવ્યો છે. તેવા આક્ષેપ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા દ્વારા કરવામા આવ્યા છે.