કથ્થક નૃત્યાંગના કુમુદિની લખિયાનું નિધન

પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ સહિત અનેક રાષ્ટ્રીય સન્માન મેળવનાર અવ્વલ દરજ્જાના નૃત્યાંગનાની ચિરવિદાય ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લખિયાનુ આજે 9પ વર્ષની વયે દૂખદ…

પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ સહિત અનેક રાષ્ટ્રીય સન્માન મેળવનાર અવ્વલ દરજ્જાના નૃત્યાંગનાની ચિરવિદાય

ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લખિયાનુ આજે 9પ વર્ષની વયે દૂખદ અવસાન થયુ છે. પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત અવ્વલ દરજજાના કથક નૃત્યાંગનાના અવસાનથી કલાકાર જગતમા શોકની લાગણી ફેલાયેલ છે. કુમુદિની લખિયાનો જન્મ તા. 17 મે 1930 નાં રોજ અમદાવાદમા થયો હતો અને તેઓ સારા કોરિયોગ્રાફર પણ હતા.

શ્રી કુમુદિનીબહેને માત્ર નવ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂૂઆત કરી હતી. લાહોર ખાતેની ક્વિન મેરી હાઇસ્કૂલમાં ભણવાની સાથોસાથ તેમણે નૃત્યની આરાધના શરૂૂ કરી હતી. તેમણે અલ્લાહાબાદના કૃષિ મહાવિદ્યાલયમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. કૃષિ એટલે ખેતી વિષયમાં ગ્રેજ્યૂએટ થયેલી કોઈ યુવતિ આગળ જતાં વિશ્વ વિખ્યાત નૃત્યાંગના બને એ નવાઈ પમાડે તેવી હકીકત છે.

શ્રી કુમુદિનીબહેનના જીવનનું મુખ્ય ધ્યેય બાલ્યાવસ્થાથી જ નૃત્યક્ષેત્રે કારકિર્દી ઘડવાનું રહ્યું હતું. 1947માં આકસ્મિક રીતે વિખ્યાત નૃત્યકાર રામ ગોપાલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત એક નૃત્ય-નાટિકામાં તેમની સાથે નૃત્યાંગના તરીકે સામેલ થવાનું આમંત્રણ મળ્યું. વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો ત્યારે માત્ર સત્તર વર્ષની વય ધરાવતી આ યુવા નૃત્યાંગના રામ ગોપાલના વૃંદનાં તે સમયે સૌથી નાની વયનાં કલાકાર હતાં.

17મી મે, 1930ના રોજ જન્મેલાં શ્રી કુમુદિનીબહેન ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં.
શ્રી કુમુદિનીબહેન સામૂહિક નૃત્ય નિર્દેશન માટે જાણીતાં છે. ધબકાર, યુગલ અને અતહ કિમ ? (ક્યાં હવે) ? તેમનાં જાણીતાં સમૂહ નૃત્યો છે. તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981)માં નૃત્ય નિર્દેશન કર્યું હતું. સમગ્ર વિશ્વમાં તેમણે નૃત્યના અનેક યાદગાર કાર્યક્રમો કર્યા હતા. તેઓ નામાંકિત કલાગુરુ હતાં. તેમના હાથ નીચે અને હૃદય સાથે સેંકડો કલાસાધકોએ નૃત્યની તાલીમ મેળવી છે.

શ્રી કુમુદિનીબહેનનું ભારતીય નૃત્ય વિશ્વમાં મોટું પ્રદાન. તેમણે રજનીકાંત લાખિયા સાથે લગ્ન કર્યાં હતાં. રજનીકાંત લાખિયા રામગોપાલ કંપનીમાં વાયોલિન વાદક હતા અને 1960માં અમદાવાદમાં સ્થાયી થયા હતા.
શ્રી કુમુદિનીબહેનને શ્રીરાજ નામે પુત્ર અને મૈત્રેઈ નામની દીકરી છે. ભારત સરકારે 1987માં તેમને પદ્મશ્રી અને 2010માં પદ્મભૂષણ ઍવોર્ડથી વિભૂષિત કર્યાં હતાં. અને ચાલુ વર્ષે જાન્યુઆરી – 2024 મા જ તેમને પદ્મ વિભુષણ એવોર્ડથી નવાજવામા આવ્યા હતા. આ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાલિદાસ સન્માન અને ટાગોર રત્ન સહિત અનેક પુરસ્કારો મળ્યા હતા.

તેમને 1972માં વડોદરાની ત્રિવેણીથ સંસ્થા દ્વારા, 1973માં ક્યૂબા ખાતે હાઇયેસ્ટ આર્ટિસ્ટિક મેરિટ ઍવોર્ડ, 1978માં સંગીતપીઠ મુંબઈ દ્વારા નૃત્યવિલાસ ઍવોર્ડ, 1982માં સંગીત-નાટક સંગમ ભોપાલ દ્વારા કલારત્ન ઍવોર્ડ અને તે જ વર્ષે સંગીત-નાટક અકાદમી નેશનલ ઍવોર્ડ એનાયત થયો હતો. 1983માં તેમને વિશ્વ ઉન્નયન સંસદ દ્વારા માનદ ડોક્ટરેટની ઉપાધિ અપાઈ હતી. 1990માં તેમને ગુજરાત રાજ્યનો પંડિત ઓમકારનાથ ઠાકુર ઍવોર્ડ અને 1997માં અમદાવાદ શહેરનો નગરભૂષણ ઍવોર્ડ અપાયો હતો.

કુમુદિની લાખિયાએ નૃત્યસાધના દ્વારા અમદાવાદ કે ગુજરાત જ નહીં, સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું હતું. પૈસા અને વેપાર માટે જાણીતા ગુજરાત પ્રદેશ અને ગુજરાતી પ્રજામાં કલાનો વ્યાપ અને પ્રભાવ ઊભો કરવાનો ઘણો મોટો યશ કુમુદિનીબહેનને પણ જાય છે.(આલેખન રમેશ તન્ના 9824034475)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *