કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા હવે નજીક આવી રહી હોય તેવું લાગે છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજભવન દ્વારા જારી કરાયેલી સત્તાવાર પુષ્ટિ મુજબ, રાજ્યપાલે બંધારણની કલમ 164(1) હેઠળ આ નિર્ણય લીધો છે. આદેશમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે, અને તેમના નેતૃત્વ હેઠળની મંત્રી પરિષદ તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવી છે. જો કે, આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવી વહીવટી વ્યવસ્થા સ્થાપિત ન થાય ત્યાં સુધી સિદ્ધારમૈયા કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજો નિભાવવાનું ચાલુ રાખશે.
આ ઘટનાક્રમ સાથે, રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે, અને કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમાર આગામી મુખ્યમંત્રી બનવાની શક્યતા ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. કર્ણાટકમાં નવી સરકારની રચના અંગે રાજકીય ગતિવિધિઓ વેગ પકડી રહી છે. બેંગલુરુથી નવી દિલ્હી સુધી હાલમાં બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. બેંગલુરુમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષ (ઈકઙ) ની મહત્વપૂર્ણ બેઠક માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રાજ્યના બે ટોચના નેતાઓ – કાર્યકારી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર – બંને દિલ્હીમાં હાજર છે.
રાજકીય સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી, સિદ્ધારમૈયા જયપુર થઈને નવી દિલ્હી પહોંચ્યા. દરમિયાન, ડી.કે. શિવકુમાર પણ ગુરુવારે નવી દિલ્હી જવા રવાના થયા હતા. બંને નેતાઓના દિલ્હીમાં એક સાથે આગમનને કર્ણાટકના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
