અમદાવાદ JCP ઉપર હુમલો કરનાર કલીમ પાંચ વાર પાસામાં પુરાયો, 36 ગુના છતાં બેફામ

  શહેરના ઇસનપુર વિસ્તારના કુખ્યાત હિસ્ટ્રીશીટર મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા અકબરખાન પઠાણને પકડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાની ઘટના બની હતી. ગેરકાયદેસર…

 

શહેરના ઇસનપુર વિસ્તારના કુખ્યાત હિસ્ટ્રીશીટર મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા અકબરખાન પઠાણને પકડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાની ઘટના બની હતી. ગેરકાયદેસર હથિયારોની બાતમીના આધારે દરોડો પાડવા ગયેલી પોલીસ સમક્ષ પૂછપરછ દરમિયાન ડ્રગ્સના નશામાં ધૂત આરોપીએ અચાનક છરી વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં JCP ક્રાઇમ શરદ સિંઘલને ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. પરિસ્થિતિ વણસતાં JCP શરદ સિંઘલે આત્મરક્ષામાં પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી વાગતાં આરોપી કલીમ ઇજાગ્રસ્ત થયો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ઇસનપુરનો 34 વર્ષીય કલીમ ભૈયા ગેરકાયદેસર હથિયારો ધરાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી તેની પાસેથી 4 ઘાતક હથિયારો અને કારતૂસ જપ્ત કર્યા હતા. જો કે, કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ ડ્રગ્સના નશામાં ચૂર કલીમ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને રસોડામાંથી છરી લાવીને પોલીસ અધિકારીઓ પર તૂટી પડ્યો હતો.

આ હિંસક હુમલામાં JCP ક્રાઇમ શરદ સિંઘલ ઘાયલ થયા હતા, જેથી તેમણે સ્વબચાવમાં કલીમના પગ પર ગોળી ચલાવવી પડી હતી. તેની સામે મારામારી, ચોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ, ધમકી, જુગાર, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ સહિત કુલ 36થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

વર્ષ 2018માં તેની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે અને 5 વખત તેની અટકાયત કરવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2025માં પણ ડીસીબી પોલીસે બે દેશી તમંચા અને છરા સાથે તેની ધરપકડ કરી હતી. આ ચકચારી ઘટના બાદ પોલીસે કલીમ ભૈયા વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર અને ડ્રગ્સ ઉપરાંત રાજ્ય સેવકની ફરજમાં રૂૂકાવટ તેમજ હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ હથિયારો મધ્યપ્રદેશના રતલામ વિસ્તારમાંથી મંગાવવામાં આવ્યા હતા. હાલ ક્રાઇમ બ્રાન્ચે કલીમના અન્ય સાગરીતો અને હથિયાર સપ્લાય કરનારી આખી ચેઇનને તોડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *