હાલમા જ અલગ અલગ 18 જેટલા સનદી અધિકારીઓની બદલી થતા વડોદરાના ડેપ્યુટી કમિશનર કે. પી. જોશીની પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી.ના મેનેજીંગ ડીરેકટર તરીકે મુકવામા આવ્યા હતા. ગઇકાલે તેમણે વિધીવત એમ.ડી. તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો અને યુધ્ધના માહોલ વચ્ચે વીજ પુરવઠો જાળવવા સમગ્ર તંત્રને ખડેપગે રહેવા આદેશ આપ્યો હતો. સાથે જ તેમણે ડીપાર્ટમેન્ટના વડાઓ સાથે બેઠક કરીને પ્રી મોન્સુન કામગીરી ઝડપથી આટોપી લેવા તાકીદ કરી હતી.
મુળ રાજકોટના વતની કે. પી. જોશીએ ગઇકાલે સાંજે પીજીવીસીએલના એમડી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો સાથે જ તેમણે પીજીવીસીએલના ચીફ એન્જીનીયર પ્રોજેકટ આર. જે. વાળા, ચીફ એન્જીનીયર ટેકનીકલ વી. જે. મહેતા, એજીએમ એચ. આર. અવિનાશ કટારા, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટનાં જનરલ મેનેજર કે. એસ. મલકાણ, ઇન્ચાર્જ એડી. ચીફ એન્જીનીયર (પ્રોજેકટ) બી. ડી. પરમાર અને ઇન્ચાર્જ એડી. ચીફ એન્જીનીયર પ્રોજેકટ કે. બી. શાહ સહીતનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે પ્રી મોન્સુનની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. સાથે જ આ કામગીરી ઝડપથી પુરી કરવા તાકીદ કરી હતી. હાલમા યુધ્ધના માહોલ વચ્ચે વીજ પુરવઠો જાળવી રાખવા તંત્રને એલર્ટ રહેવા પણ સુચના આપી હતી. રાજયના ઉર્જા વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી હૈદરની અધ્યક્ષતામા આજે રાજયની વીજ વિતરણ કંપનીઓ, ટ્રાન્સમીશન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક પણ યોજવામા આવી હતી. જેમા કોઇપણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે સમગ્ર તંત્રની તૈયારીઓની પણ સમીક્ષા કરવામા આવી હતી.
