જંગલેશ્ર્વર ડિમોલિશન: 2500 પોલીસ-SRPનું દળ કટક ઉતારાયું

6 IPS, 17 ACP, 30 PI અને 70 PSIને ફરજ સોંપાઈ, મ્યુનિ.કોર્પોરેશનની ટીમો માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા રાજકોટનાં ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલિશન જંગલેશ્ર્વર ખાતે થવા…

6 IPS, 17 ACP, 30 PI અને 70 PSIને ફરજ સોંપાઈ, મ્યુનિ.કોર્પોરેશનની ટીમો માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

રાજકોટનાં ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલિશન જંગલેશ્ર્વર ખાતે થવા જઈ રહ્યું છે. સોમવારે થનાર આ મેગા ડિમોલીશનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પરિસ્થિતિ વણસે નહીં તે માટે 2500 પોલીસ અને એસઆરપીનું દળકટક ઉતારી દેવામાં આવ્યું છે. કોઈપણ ભોગે ડિમોલિશન કરવા તંત્ર મક્કમ છે. કુલ 1489 મિલકતોના ડિમોલિશનની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે મહાનગરપાલિકાના બુલડોઝરના કાફલા સાથે પોલીસની ટીમો સાથે રહેશે અને આ ડિમોલિશન કામગીરી વખતે 6 IPS, 17 ACP, 30 PI અને 70 PSIને ફરજ સોંપાઈ છે. જે તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મ્યુનિ.કોર્પોરેશનની ટીમો માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થામાં ફરજ પર રહેશે.

આજી નદીના કાંઠે કુલ 93000 ચો.મી.ની મહાનગરપાલિકાની જગ્યા પર ખડકાયેલા 1489 ગેરકાયદેસર બાંધકામોનું સોમવારે મેગા ડિમોલિશન કરવામાં આવશે. શહેરના ઈતિહાસનું આ સૌથી મોટુ ડિમોલિશન છે ત્યારે આ ડિમોલિશનને લઈને પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર સર્તક બન્યું છે. મહાનગરપાલિકાના 1130 કર્મચારીઓને માઈક્રો પ્લાનીંગ સાથે ડિમોલિશનની જવાબદારી સોંપાઈ છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા 6 IPS, 17 ACP, 30 PI અને 70 PSI ને જવાબદારી સોંપવામાં આવી છે.

તેમજ એસઆરપીનો હથિયાર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કોર્પોરેશનના 100 જેસીબી, 84 ટ્રેકટર, 7 હિટાચી, 42 ગેસ કટર અને 14 થી વધુ ડમ્પરો આ ડિમોલિશનની કામગીરીમાં જોડાશે. તેમજ આ કામગીરી વખતે ફાયરબ્રિગેડ તેમજ મેડીકલ અને એમ્બ્યુલન્સની ટીમ પણ સ્ટેન્ડ ટુ રહેશે. સોમવારે થનાર આ મેગા ડિમોલિશનમાં 2 કિ.મી.ના વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવનાર હોય આ ડિમોલિશન એક દિવસ પુરતું સિમીત નહીં રહે બે દિવસ સુધી ચાલશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફીક હરપાલસિંહ જાડેજાના નિરીક્ષણ હેઠળ પોલીસ વિભાગની અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવશે.

મહાનગરપાલિકાના ડિમોલિશનની કામગીરીમાં જોડાયેલ 7 ટીમો સાથે 1 એસીપી, 1 પીઆઈ અને 1 પીએસઆઈ સહિતની ટીમને સાથે રાખવામાં આવશે. તેમજ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી, પેરોલફર્લો સ્કવોડ સહિતની મહત્વની બ્રાંચને આજ સાંજથી જ પેટ્રોલીંગ કરવા અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો કાર્યવાહી કરવા અને શકમંદોને ડીટેઈન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ડિમોલિશનને લઈને કોઈ અફવા કે ભડકાઉ મેસેજ ન થાય તે માટે સોશ્યલ મીડિયા ઉપર નજર રાખવા સાયબર ક્રાઈમની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

સ્થિતિ વણસે તો લાઠીચાર્જ-ફાયરિંગના ઓર્ડર આપવા સ્પે.મેજિસ્ટ્રેટની નિમણૂંક
જંગલેશ્ર્વરમાં થનારા સૌથી મોટા ડિમોલિશનને લઈને ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે ત્યારે ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સાથે સ્પેશ્યલ મેજીસ્ટ્રેટની નિમણૂંક કરવામાં આવી છે. ડિમોલિશન કામગીરી દરમિયાન અડચણ ઉભી થાય કે પછી પરિસ્થિતિ વણસે તો આવી પરિસ્થિતિ વખતે લાઠી ચાર્જ કે ફાયરીંગ સુધીના ઓર્ડરો આપવા માટે સ્પેશ્યલ મેજીસ્ટ્રેટની નિમણૂંક કરવામાં આવી છે. જંગલેશ્ર્વરના બે કિ.મી.ના એરિયામાં 1489 મિલકતોના ડિમોલિશનમાં કોઈપણ અડચણ આવે તો તાત્કાલીક એકશન લેવા માટે પોલીસે તેમજ વહીવટી તંત્રએ ખાસ પ્લાન બનાવ્યો છે. પોલીસ કમિશ્નર તેમજ મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા આ ડિમોલીશનને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે અને પરિસ્થિતિ વણસે તો શું એકશન લેવા ? તે સહિતની બાબતોની સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *