શિવરાત્રી મેળામાં સ્પેશિયલ ફેરાના નામે ઉઘાડી લૂંટ : મુખ્યમંત્રીને કરાશે રજૂઆત
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, મહેન્દ્રભાઈ ભરાડ (જુનાગઢ પ્રતિનિધિ), વિજયભાઈ યાદવ, જયંતીભાઈ હિરપરા, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયાની એક સંયુક્ત યાદી જણાવે છે કે દેવોના દેવ મહાદેવ ના મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડતા યાત્રિકોને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) તંત્ર દ્વારા ઉઘાડી લુટ ચલાવવામાં આવી રહી હોય તેવું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ થી વાઘેશ્વરી 6 કિલોમીટર થાય છે ત્યારે તેનું ભાડું એક વ્યક્તિના રૂૂપિયા ₹25 વસૂલવામાં આવી રહ્યું છે તેનો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ સખત શબ્દોમાં વખોડે છે અને વિરોધ કરે છે. અને કહેવાતી હિન્દુવાદી સરકારે શિવભક્તો પાસેથી ઉઘાડી લુટ બંધ કરવી જોઈએ.
એસ.ટી તંત્રને દર મહિને અંદાજે બે કરોડ જેવી માતબાર રકમ મુસાફરો પાસેથી મળી રહી છે. અને તેમ છતાં કહેવાતી હિન્દુવાદી સરકાર શિવ ભક્તોને શિવરાત્રી દરમિયાન સ્પેશિયલ ફેર ના નામે ફક્ત 6 કિલોમીટરમાં ₹ 25 વસુલી ઉઘાડી લૂંટ કરે છે. ત્યારે આ અંગે જૂનાગઢના ડીટીઓ ધામાને ટેલિફોનિક વાતચીતમાં ભાડા અંગે સવાલો કરતા ગેંગે ફેકે થયા હતા અને બધુ નિયમ મુજબ ચાલે છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
હવે નિયમ મુજબ ચાલે છે કે કેમ ? તે માટે જૂનાગઢના પ્રતિનિધિ દ્વારા આરટીઆઇ કરાશે કારણ કે અમારી જાણ મુજબ સ્પેશિયલ ફેરમાં સવાગણું ભાડું વસૂલી શકાય પરંતુ જ્યાં દસેક રૂૂપિયા ટિકિટ ભાડું થતું હોય ત્યાં 25 રૂૂપિયા વસુલે તો કયા પરિપત્ર મુજબ ભાડું વસૂલવામાં આવે છે તેની માહિતી માગવામાં આવશે. અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને (ડેપ્યુટી મુખ્યમંત્રી) સ્પેશિયલ ફેર ના નામે જે કાંઈ પરિપત્રો હોય તે રદ કરવા અને એસ.ટીના સ્ટેજ કેરેટ મુજબ જ ભાડું વસૂલવા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવશે.
