જૂનાગઢ શહેર કોંગ્રેસપ્રમુખ અને કાર્યકર વચ્ચે બઘડાટી

‘આપ’ના એસટી સેલના પ્રમુખ કોંગ્રેસમાં, ‘આપ’ને ભાજપની બી ટીમ ગણાવી જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી…

‘આપ’ના એસટી સેલના પ્રમુખ કોંગ્રેસમાં, ‘આપ’ને ભાજપની બી ટીમ ગણાવી

જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીને જૂનાગઢમાં મોટો ફટકો પડ્યો છે. પક્ષના જૂના અને વફાદાર ગણાતા જઈ સેલના જિલ્લા પ્રમુખ ધીરૂૂ ગોહેલે પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ હીરા જોટવાએ તેમને વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા હતા.

બીજી તરફ ડુંગરપુર સીટની ટિકિટ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને કોંગી કાર્યકર બાખડી પડ્યાં હતાં. હીરા જોટવા પણ પ્રમુખનો પક્ષ લઈ કાર્યકર સાથે ‘તું-તું, મે-મે’ પર ઉતરી આવ્યાં હતાં. માહોલ વધુ ઉગ્ર બને તે પહેલાં જ હાજર લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

2018થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ધીરૂૂ ગોહેલે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, મેં સંગઠનને ખૂબ નજીકથી જોયું છે. આ આમ આદમી પાર્ટી ખરેખર ભાજપની ‘બી-ટીમ’ તરીકે કામ કરી રહી છે. જેમણે રાત-દિવસ એક કરીને પક્ષનો પાયો મજબૂત કર્યો, તેમને ટિકિટ આપવાને બદલે અન્ય પક્ષોમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. વડાલ સીટ પરથી પોતે ઉમેદવારી નોંધાવી હોવા છતાં, મનગમતો માણસ મળતા પક્ષે રાતોરાત ઉમેદવાર બદલી નાખ્યા હોવાનો પુરાવા સાથે દાવો કર્યો હતો.

ધીરૂૂ ગોહેલે વધુમાં ઉમેર્યું કે, તેઓ કોઈ હોદ્દાની લાલચમાં કોંગ્રેસમાં આવ્યા નથી, નહીંતર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જ જોડાયા હોત. તેમણે અઅઙને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે હવે તેઓ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કોઈ મનસૂબા સફળ થવા દેશે નહીં.

એક તરફ અઅઙમાં ભંગાણ પડ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસમાં પણ આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ડુંગરપુર સીટ પર ઉમેદવારની પસંદગીને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને પક્ષના જ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યકરોનો આક્ષેપ છે કે, અમિત પટેલે પહેલા કાર્યકર્તાને ઉમેદવારી કરવાનું કહી બાદમાં પોતાના માનીતા ઉમેદવારનું ફોર્મ ભરાવી દીધું હતું. આ અન્યાય સામે જ્યારે કાર્યકર્તાઓએ રજૂઆત કરી, ત્યારે મામલો બિચક્યો હતો અને પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હતા.

મીડિયા સાથે ગેરવર્તન અને પ્રમુખની દાદાગીરી

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જ્યારે હીરા જોટવા અને અમિત પટેલ સામે કોંગ્રેસી કાર્યકરે રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારો સાથે જિલ્લા પ્રમુખ અમિત પટેલે ગેરવર્તન કર્યું હતું. મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવીને તેમણે પોતાની ‘દાદાગીરી’ બતાવી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જ થયેલી આ ખેંચતાણે કોંગ્રેસની શિસ્ત પર સવાલો ઊભા કર્યા છે. હવે આવનારા દિવસોમાં આ ઘટનાક્રમ ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *