યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજશ જોષીનો ધડાકો, મનપા પણ ભ્રષ્ટાચારનો અડ્ડો
જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. જૂનાગઢ પ્રમુખ ગૌરવ રુપારેલિયા સામે તથા પૂર્વ પ્રમુખ પુનિત શર્મા સામે ગંભીર આરોપો લગાવાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જૂનાગઢ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ ધડાકો કરીને આરોપ લગાવ્યો છે કે ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂૂપારેલિયા વ્યાજખોર છે અને ગૌરવ રૂૂપારેલીયાએ જૂનાગઢના લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યા છે. તેજસ જોશીએ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા સામે પણ ગંભીર આરોપ લગાવ્યો છે. તેજસ જોષીએ વ્યાજખોરીના પુરાવાઓ જાહેર કર્યા છે અને આ પુરાવાઓને લઇને પીએમઓમાં પણ અરજી કરાઇ છે
તેજસ જોશીએ જૂનાગઢવાસીઓને દયનીય પરિસ્થિતિમાંથી બચાવવા રજૂઆત કરતાં આરોપ લગાવ્યો હતો કે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારને હરાવવા માટે પૂર્વ ભાજપ પ્રમુખ સક્રિય હતા. તેમણે શહેર સંગઠનના કાર્યકર્તાઓ સામે પણ આક્ષેપો કર્યા હતા.
તેજસ જોશીએ આરોપ લગાવ્યો હતો કે સંગઠનમાં ચાર જૂથ છે અને કોંગ્રેસમાંથી આવેલા લોકોને હોદ્દા આપી દેવાયા છે તથા પાયાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. જૂનાગઢના બ્રહ્મ સમાજને અન્યાય કરી આરટીઆઇ એક્ટીવીસ્ટોને આપી દીધા છે અને માનીતા લોકોને હંમેશા હોદ્દા અપાતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યા હતા.
તેજસ જોશીના આરોપ મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું હબ બની ગયું છે અને શહેર પ્રમુખે મહાનગરપાલિકામાં પોતાના માનીતાઓને ગોઠવ્યા છે. બાંધકામ શાખામાં વહીવટ કરવા જવાબદારી અપાય છે તો તમામ પુરાવાઓ જાહેરમાં આપવા પણ તેજસ જોશી તૈયાર છે. તેજસ જોશીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને તમામ જવાબદારી શહેર પ્રમુખ અને પૂર્વ અધ્યક્ષ ઉપર રહેશે તેમ જણાવ્યું હતું. તેમના આરોપ મુજબ કાળવા નદી ઉપર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે અને મોટાભાગના બાંધકામો પુનિત શર્માની મીઠી નજર હેઠળ થયા છે.
