રાજકોટના જીવાભાઇ પરમાર 19,000 કિ.મી. બાઇક રાઇડ કરી લંડન પહોંચશે

આંતરરાષ્ટ્રીય રાઇડ માટે 6 મહિનાથી દિવસ-રાત તૈયારી કરી શનિવારે રાજકોટથી નીકળીને 18-20 દેશો વટાવીને લંડન પહોંચશે પર્યાવરણને ગંભીર નુકસાન કરતી બેટરી અને ઇ-વેસ્ટ સામે જાગૃતિનો…

આંતરરાષ્ટ્રીય રાઇડ માટે 6 મહિનાથી દિવસ-રાત તૈયારી કરી શનિવારે રાજકોટથી નીકળીને 18-20 દેશો વટાવીને લંડન પહોંચશે

પર્યાવરણને ગંભીર નુકસાન કરતી બેટરી અને ઇ-વેસ્ટ સામે જાગૃતિનો સંદેશો ફેલાવશે

રાજકોટ જીવનમાં કંઈક નવું અને સાહસિક કરવાની ઇચ્છા હોય તો ઉંમર ક્યારેય નડતી નથી. રાજકોટના અનુભવી એક અનોખો અને પ્રેરણાદાયી સંકલ્પ લીધો છે. રાજકોટના રહેવાસી જીવાભાઈ છગનભાઈ પરમાર અને તેમના મિત્ર બાઇક પર ભારતથી લંડન સુધીની સફર ખેડવા માટે સજ્જ થયા છે.

આ આંતરરાષ્ટ્રીય સફર માત્ર પ્રવાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સાથે પર્યાવરણની જાળવણી અને ખાસ કરીને ’ઇ-વેસ્ટ’ (બેટરી નિકાલ) અંગેની જાગૃતિનો મોટો સંદેશ પણ જોડાયેલો છે.જીવાભાઈ પરમારે જણાવ્યું કે, હું છેલ્લા 25 વર્ષથી બાઇક રાઇડિંગ કરું છું અને ભારતના લગભગ તમામ પ્રકારના રસ્તાઓ પર રાઇડિંગનો અનુભવ ધરાવું છું. અમારું હંમેશાંથી એક સપનું હતું કે, અમે એક આંતરરાષ્ટ્રીય રાઇડ કરીએ.

આ સફર માટે અમે છેલ્લા 6 મહિનાથી રાત-દિવસ તૈયારીઓ કરી રહ્યા છીએ, જેમાં બાઇકની પરમિશનથી લઈને વિવિધ દેશોના વિઝા મેળવવાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ પ્રવાસ શનિવારથી રાજકોટથી શરૂૂ થઈને લંડન સુધી પહોંચશે, જેમાં અંદાજે 18 થી 20 દેશો વટાવીને 19,000 કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવશે. ભવિષ્યના આયોજન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, પહેલાં અમારો વિચાર અમેરિકાના પ્રખ્યાત ’હાઇવે 1’ અને ’રૂૂટ 66’ પર રાઇડ કરવાનો હતો. જો કે આ વખતે અમે લંડન રાઇડ પર પસંદગી ઉતારી છે. ભવિષ્યમાં અમે અમેરિકાના એ સપનાને પણ ચોક્કસ સાકાર કરીશું. આ રાઇડનો મુખ્ય ઉદ્દેશ્ય હાલના સમયની ગંભીર સમસ્યા એટલે કે બેટરી વેસ્ટ (ઇ-વેસ્ટ) પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. જીવાભાઈએ જણાવ્યું કે, આજે દરેક ઘરમાં લિથિયમ અને લેડ બેટરીઓનો વપરાશ ખૂબ વધી ગયો છે.

લોકો આ બાબતને ગંભીરતાથી નથી લેતા અને વપરાયેલી બેટરીઓ સીધી કચરાપેટીમાં ફેંકી દે છે. જો આ બેટરીઓ જમીનમાં જાય, તો તે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે, જેને સુધરતા 100 વર્ષ જેટલો સમય લાગે છે.સરકાર પણ હવે ’ઇ-વેસ્ટ બોક્સ’ આપીને આ માટે પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. અમારો આ રાઇડ દ્વારા એ જ સંદેશ છે કે લોકો ડિસ્પોઝલ બેગનો ઉપયોગ કરી બેટરીનો યોગ્ય નિકાલ કરે અને પર્યાવરણને બચાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *