લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી

  આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ થયું છે. બિલ પસાર થવા પર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલના કાગળો ફાડીને ફેંકી…

 

આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ થયું છે. બિલ પસાર થવા પર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલના કાગળો ફાડીને ફેંકી દીધા. ગૃહમાં વાતાવરણ એટલું બગડ્યું કે કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવી પડી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ એટલે કે ‘VB-G RAM G’ (જી રામ જી) બિલ લોકસભામાં મંજૂર કરી દેવામાં આવ્યું છે.

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં ‘જી રામ જી’ બિલ પર પ્રતિક્રિયા આપી. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “અમે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. બાપુ અમારી પ્રેરણા અને આદર છે. આખો દેશ અમારા માટે એક છે. દેશ અમારા માટે ફક્ત જમીનનો ટુકડો નથી. અમારા વિચારો સંકુચિત અને મર્યાદિત નથી.”

વિપક્ષી દળોએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે MGNREGA (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે. વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના જોગવાઈઓને નબળી પાડવામાં આવી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ કાયદાને ગ્રામીણ ભારતના ‘કામના અધિકાર’ પર હુમલો ગણાવ્યો હતો. વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પણ સંસદના મકર દ્વાર પર વિપક્ષી સાંસદો સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેટલાક સાંસદોએ ગૃહમાં બિલની નકલો ફાડી નાખી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

બુધવારે અગાઉ, લોકસભામાં VB-G-RAM-G બિલ પર 14 કલાક ચર્ચા થઈ હતી. કાર્યવાહી 1:35 વાગ્યા સુધી ચાલુ રહી, જેમાં 98 સાંસદોએ ભાગ લીધો. વિપક્ષે માંગ કરી હતી કે પ્રસ્તાવિત કાયદો, જે 20 વર્ષ જૂના MGNREGA કાયદાનું સ્થાન લેશે, તેને સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *