જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં 2 ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ઝાંઝરડા રોડ સાઇબાબા મંદિર પાસે શેરી નંબર 10 માં આવેલ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ- 02નાં બ્લોક નં. 403માં 57 વર્ષીય પ્રવીણભાઈ નરોત્તમભાઈ પંડ્યા પત્ની સાથે અને ભાડાના બ્લોક નં. 303માં પુત્ર જયભાઈ, પત્ની સાથે રહે છે. ગત તા. 23 જાન્યુઆરીના રોજ પ્રવીણભાઈ, પત્ની આશાબેન સાથે બીલીમોરા ખાતે પ્રસંગમાં ગયા હતા.
ત્યારે પાછળથી તેમના બ્લોક નં. 403માં મંદિરની જગ્યાએ રાખેલ સોનાનું મંગળસૂત્ર અને સોનાની બે વીટી ગાયબ હતી. બાદ તા. 27 જાન્યુઆરીના રોજ પુત્રના બ્લોક નં. 303નાં સેટી પલંગ તથા કબાટમાં રાખેલ સોનાના દાગીના જોવા મળેલ નહીં. બંને બ્લોકમાં બારી દરવાજા તુટેલ ન હતા અને ઘરની વસ્તુઓ પણ અસ્તવ્યસ્ત ન હતી. શોધખોળ કરવા છતાં સોનાના દાગીના નહિ મળતાં આખરે પ્રવીણભાઈ પંડ્યાએ બંને બ્લોકમાંથી રૂૂપિયા 6.40 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઈપણ રીતે ઘરમાં પ્રવેશ કરી અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની ફરિયાદ શુક્રવારે સાંજે બી ડિવિઝન પોલીસ મથકમાં કરતા પીઆઇ પી. સી. સરવૈયાએ તપાસ હાથ ધરી હતી.