રો મટિરિયલ્સના ભાવમાં 20થી 30 ટકાનો વધારો, અન્ય ઉદ્યોગોને પણ અસર
જેતપુર શહેરમાં આવેલ ટેક્ષટાઈલ ઉદ્યોગએ સમગ્ર પંથકની જીવાદોરી સમાન ઉદ્યોગ છે. ઘણા સમયથી ટેક્ષટાઈલ ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ માટેના કલર તેમજ ફિનીશીંગ માટેના કેમિકલ્સ અને પેકિંગ મટિરિયલ જેવા તમામ પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 20% થી 30% નો વધારો થયો છે. તેમજ બળતણમાં વપરાતો કોલસો અને ગેસના ભાવમાં 20% થી 40% નો વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેથી, જેતપુર નવાગઢના તમામ પ્રિન્ટિંગ યુનિટને ઉત્પાદન ખર્ચમાં 20% થી 30% નો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે.
જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોને ભાવ વધારા જેવી મુશ્કેલીઓની વચ્ચે પણ જેતપુરના કારખાનેદારો ગમે તેમ કરીને પ્રિન્ટિંગ એકમો ચલાવ્યે રાખતા આવ્યા છે. કારણકે આ ટેક્ષટાઈલ ઉદ્યોગની સાથે સંકળાયેલા એંશી હજાર જેટલા કામદારો રોજગારી મેળવી રહ્યા છે. તેમજ શહેર અને તાલુકામાં આ ઉદ્યોગની સાથે સીધી કે આડક્તરી રીતે સંકળાયેલા અનેક નાના મોટા અનુસંગીક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા રોજગાર ઉપર ગંભીર અસર પડી રહી છે.
હાલમાં મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં ચાલી રહેલા ભીષણ યુધ્ધની વ્યાપક અસરને લીધે એલપીજી કોમર્શીયલ ગેસ બોટલના પુરવઠામાં અછત ઊભી થયેલ છે. જેને લીધે જેતપુરના કેટલાય મશીન વાળા પ્રિન્ટિંગ એકમો બંધ થઈ ગયા છે. તેમજ મોટાભાગના ટેક્ષટાઈલ એકમોમાં ઉત્પાદન ખુબ જ ઓછું થઈ ગયેલ છે. જેની સીધી અસર જેતપુર શહેરની ઈકોનોમી તેમજ હજારો લોકોના રોજગાર ઉપર અસર પડી રહી છે.
આમ, રો મટીરીયલની કિમતમાં થયેલા અસહ્ય ભાવ વધારાને લીધે તેમજ હાલના ઊભા થયેલ સંક્ટમાં જેતપુરના ટેક્ષટાઈલ ઉદ્યોગના કારખાનેદારોને પોતાના એક્મો કેમ ચલાવવા અને હજારો લોકોને રોજગારી કેમ આપવી તેવા યક્ષ પ્રશ્ન સાથે ચિંતામાં સપડાયેલા છે.
