એકલવાયા જીવનથી કંટાળી પગલુ ભર્યાનું ખુલ્યુ : સારવારમાં ખસેડાયો
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના વતની અને હાલ જામવાડી ગામે આવેલ જેટકો ક્વાર્ટરમાં રહેતા જેટકોના કર્મચારીએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડના નપાણીયા ખીજડીયા ગામના વતની અને હાલ જામવાડી ગામે આવેલા જેટકો ક્વાર્ટરમાં રહેતા અને જેટકોમાં જ નોકરી કરતા વિપુલભાઈ આલજીભાઈ પરમાર નામનો 28 વર્ષનો યુવાન સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ક્વાર્ટરમાં હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં વિપુલ પરમાર બે ભાઈમાં નાનો અને અપરિણીત છે અને છેલ્લા એક વર્ષથી જેટકોમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. વિપુલ પરમારે એકલવાયા જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.