જંગલેશ્વર કટકીકાંડ: માછલા ફસાયા, મગરમચ્છ આબાદ

સાંસ્કૃતિક વિભાગના મેનેજર ઉનાવા સસ્પેન્ડ, આરોગ્ય અધિકારી ડો.વાંકાણી અને સેન્ટ્રલ વર્કશોપના ડેપ્યુટી ઇજનેર શિંગાળા સામે ખાતાકીય તપાસ, પણ સવાલ એ છે કે ગત ટર્મમાં વગર…

સાંસ્કૃતિક વિભાગના મેનેજર ઉનાવા સસ્પેન્ડ, આરોગ્ય અધિકારી ડો.વાંકાણી અને સેન્ટ્રલ વર્કશોપના ડેપ્યુટી ઇજનેર શિંગાળા સામે ખાતાકીય તપાસ, પણ સવાલ એ છે કે ગત ટર્મમાં વગર ટેન્ડરે લીલીઝંડી આપનાર પુર્વ ‘સુપર મેયર’ અને વહીવટી શાખાના ‘ખુદ ગબ્બર’ની કોઇ જવાબદારી ફિક્સ શા માટે ન થઇ?

રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટા જંગલેશ્વર ડિમોલિશનમાં વિવાદ પણ મોટો થયો હતો. ડિમોલિશનની આડમાં લાખો રૂૂપિયાની કટકાંડનો રેલો ગુજરાત સરકાર સુધી આવ્યો હતો. સરકારે કેટલાક બચાવલક્ષી ખુલાસાઓ પણ કર્યા હતા. સરકારના ઇશારે જ આ પ્રકારણમાં એસ.આઇ .ટી.(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામા આવી હતી.

તપાસ છ મહિના ચાલી અને તેનો રિપોર્ટ ગઇકાલે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાને સોંપાતા ત્રણ અધિકારીઓને કસુરવાનના કઢેડામાં ઉભા રાખી સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામા આવ્યા છે. જ્યારે રજવાડી ભોજનિયાના કર્તાહર્તા આરોગ્ય શાખાના અધિકારી ડો.જયેશ વાંકાણી અને ટ્રાન્સપોર્ટેશની જવાબદારી જેમને સોંપવામા આવી હતી તે સેન્ટ્રલ વર્કશોપ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ.શિંગાળા સામે ખાતાકીય તપાસ સોંપવામા આવી છે. બીજીબાજુ એક હકિકત એ પણ સ્વીકારવી પડે કે આ સમગ્ર કટકીકાંડમાં જે રીતે ટીઆરપી હત્યાકાંડમાં માત્રને માત્ર અધિકારીઓ જ દંડાયા હતા એ જ રીતે જંગલેશ્વરકાંડમાં પણ માત્ર માછલા ફસાયા છે. પડદા પાછળ રહેલા મગરમચ્છ આબાદ છટકી ગયા છે.

શહેરના ઇતિહાસનું આટલુ મોટુ ડિમોલિશનનું આયોજન હોય, તેમા કોને ક્યા પ્રકારનું કામ આપવાનું હોય, કેટલો ખર્ચ થવાનો હોય, મંજૂરીની અપેક્ષાએ કામ આપી દેવા એ સમયના પદાધિકારીઓમાંથી ’સુપર મેયર’ની લીલીઝંડી હોય, ’ઘર’ના મોભી વહીવટી શાખાના ’ખુદ ગબ્બર’ને જાણ પણ ન હોય એ વાત શું ગળે ઉતરે તેવી લાગે છે ખરા? આ સમગ્ર કટકીકાંડમાં કસુરવાન ત્રણ અધિકારી સામે પગલા લેવાયા એ વાત બેશક ન્યાયિક છે. પણ ’સુપર મેયર’ અને ’ખુદ ગબ્બર’ની કોઇ જવાબદારી જ ફિક્સ નથી થઇ એ વાત પણ શંકા ઉપજાવે તેવી અને ખટકે તેવી છે. મનપાના કર્મચારીગણમાં પણ આ જ ચર્ચા છે.

ચુકવાઇ ગયેલા બીલમાંથી 5 લાખની રીકવરી, બાકીના 18 લાખના બીલ અટકાવી દેવાયા
કૌભાંડ કરવુ તો ગુપચુપ કરવુ અને બહાર આવે એ પહેલા જટપટ બીલ ચુકવી દેવા! આવા સુવ્યવસ્થિત વહીવટના ભાગરૂૂપે અમુક પાર્ટીઓને તો ગણતરીની મિનિટોમાં જ તેના બીલની ચુકવણી કરી દેવામા આવી હતી. આશુતોષ ટ્રાવેલ્સ, આરાધના ટી-સ્ટોલ, દોશી ઇલેક્ટ્રિક, ગ્લોબલ કોમ્યુનિકેશન, બાલાજી વિડિયો સહિતની એજન્સીઓને ચુકવાઇ ગયેલા બીલમાંથી 5 લાખની રીકવરી કરવા આદેશ થયો છે. આ સાથે જ કટકીકાંડ બહાર આવ્યા બાદ જે બીલ બાકી હતા તે પૈકી ચુકવવાના બાકી 18 લાખના બીલ અટકાવી દેવામા આવ્યા છે.

મને ઉપરથી સુચના હતી એ મુજબ જ કામ આપ્યા હતા, સસ્પેન્ડેડ ઉનાવાનો બચાવ
સસ્પેન્ડેડ કૌશિક ઉનાવાએ તેમની સામે લેવાયેલા સસ્પેન્શનના પગલાં અંગે એવો બચાવ કર્યો હતો કે, સીટના રિપોર્ટમાં મારા વિશે શું અભિપ્રાય અપાયો છે તેનો અભ્યાસ કરવાનો બાકી છે. અભ્યાસ કર્યા બાદ હું કમિશનર સાહેબ સમક્ષ મારો પક્ષ રજૂ કરીશ. રહી વાત ખર્ચ અને અપાયેલા જે તે કામની. તો મને ઉપરથી જે મુજબ સુચના અપાઇ હતી, જે જવાબદારી સોંપવામા આવી હતી એ મુજબ જ મે કામ આપ્યા હતા.

સસ્પેન્ડેડ સહિત કસુરવાન ત્રણેય અધિકારીઓની આ હતી વરવી ભૂમિકા
સસ્પેન્ડેડ મેનેજર ઉનાવાની નજર હેઠળ બમણા બીલ કઇ રીતે ગરકી ગયા?
સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા હસ્તક મંડપ, ઇલેક્ટ્રિક, એલઇડી, ડ્રોન, પાણી, વિડિયોગ્રાફી સહિતના કામની જવાબદારી હતી. હકિકતમાં જે વસ્તુ અને જેટલા પ્રમાણમાં ઉપયોગ થયો હતો તેના કરતા અલગ જ બીલ બન્યા હતા. અમુકના બજારભાવ કરતા વધુ ભાવના ખર્ચ મંજૂર કરી દેવામા આવ્યા હતા. આ વધારાના બીલને લઇને દોશી ઇલેક્ટ્રિકના બીલમાંથી રૂૂ.1,02,015, ગ્લોબલ કોમ્યુનિકેશનના બીલમાંથી રૂૂ.3977, મિનરલ વોટર કે જેની એક બોટલની એમઆરપી રૂૂ.5 છે તેના રૂૂ.8 લેખે ચુકવણુ કરાતા પાણી સપ્લાય ઉપરાંત અન્ય કામ કરનાર ઉમિયાજી મંડપના બીલમાંથી 11,65,939 કાપી નાખવાનો હુકમ થયો છે. આ જ રીતે બાલાજી વિડિયોના બીલમાં પણ ગેરરીતિ પકડાતા રૂૂ.97,600ની રીકવરી કરવાનુ સીટના રિપોર્ટમાં જણાવાયુ છે.
4જંગલેશ્વર જાણે બાર ગાંવ છેટું હોય તેમ સ્ટાફને લેવા-મુકવા માટે ખાનગી ટ્રાવેલ્સને ખટવવાનો ‘વહીવટ’ ડે.ઇજનેર શિંગાળાને ભારે પડ્યો
ડિમોલિશનમાં મનપાની મોટાભાગની શાખામાંથી કર્મચારીઓને જવાબદારી સોંપવામા આવી હતી. જંગલેશ્વર જાણે બાર ગાંવ છેટુ હોય તેમ આવવા-જવા માટે સ્ટાફ માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા રાખવામા આવી હતી. જોવા જેવુ તો એ છે કે, મનપાની પોતાની સિટી બસ છે. જંગલેશ્વર રૂૂટ સુધી સિટી બસ જાય જ છે. આમછતા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાના નામે સેન્ટ્રલ વર્કશોપના ડેપ્યુટી ઇજનેર જે.એલ.શિંગાળાએ પોતાની ચહિતી આશુતોષ ટ્રાવેલ્સ નામની ખાનગી એજન્સીના વાહનોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આશુતોષ ટ્રાવેલ્સને તેના બીલની ચુકવણી પણ જટપટ કરી નાખવામા આવી. ચુકવાઇ ગયેલો ખર્ચ રૂૂ.1 લાખ 28 હજાર રીકવરી કરવાનો હુકમ મ્યુનિ.કમિશનરે કર્યો છે. સાથે ડે.ઇજનેર વિરુધ્ધ ખાતાકીય તપાસનો પણ આદેશ થયો છે.

4આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને કાજુકતરીની ઝિયાફત સોંસરવી નીકળશે!
એકબાજુ સેંકડો પરિવાર બેઘર થતા ચોંધાર આસુએ રડતા હતા. આવા ગમગીન માહોલ વચ્ચે પણ માનવતા નેવે મુકીને અધિકારીઓએ કાજુકતરી સહિત રજવાડી ભોજનિયાની ઝિયાફત માણી હતી. તેની માટે આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીની ભુમિકા હોવાનું સીટની રિપોર્ટમાં આવ્યુ છે. લંચ, ડીશ, ચા-બિસ્કીટ, લીંબુ પાણી માટે પ્રોસીજરલ લેપ્સ એટલે કે ડો. જયેશ વાંકાણીએ આ બધી વસ્તુઓ મગાવવામા કોઇ કાયદેસરની વહીવટી પ્રક્રિયા કરી ન હતી. બધુ બારોબાર જ મગાવી લીધુ હતુ અને બાદમાં ખર્ચનુ બીલ મુકાયુ. સેન્ટ્રલ વીજીલન્સ કમિશન(સી.વી.સી.) અને ગુજરાત ખરીદ નીતિની વિરુધ્ધ જઇને ટેન્ડર અને ભાગ મગાવ્યા વગર અને વર્ક ઓર્ડર આપ્યા વગર જ આ બધી વસ્તુઓ મગાવવા બદલ ડો.જયેશ વાંકાણી વિરુધ્ધ ખાતાકીય તપાસનો હુકમ કમિશનરે કર્યો છે. આ સાથે જ કાજુકતરી સહિત ઉક્ત વસ્તુઓ સપ્લાય કરનાર આરાધના ટી-સ્ટોલ(જાફર)ના બીલમાંથી રૂૂ.57,400 કાપી નાખવા આદેશ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *