જામનગરના નવરાત્રી સંચાલક સંજય ચેતરીયા સામે શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલી પાંચ ફરિયાદોના અનુસંધાને પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હાલ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંજય ચેતરીયા સામે સિટી-એ ડિવિઝન, સિટી-બી ડિવિઝન તથા પંચકોશી-બી પોલીસ મથકમાં મળીને કુલ પાંચ ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં પંચકોશી-બી પોલીસ મથકમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
એક ફરિયાદ મુજબ વર્ષ 2023 દરમિયાન નવરાત્રીના આયોજન માટે રાજકોટના જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી રૂૂ. 12.50 લાખ લીધા હતા. જેમાંથી રૂૂ. 5 લાખ પરત આપ્યા બાદ બાકીની રકમ પરત ન કરતાં અને વિવિધ બહાનાં તેમજ ખોટા વીડિયો બતાવી ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી ફરિયાદમાં એક પ્રસંગ દરમિયાન જમણવારની વ્યવસ્થા માટે કરાયેલ કામના આશરે રૂૂ. 8.50 લાખનું ચુકવણું ન કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે.સી.આર. સિનેમા ગ્રાઉન્ડના ભાડા અને નુકસાન સંબંધિત મુદ્દે નોટિસ આપનાર વેપારીને ધમકી આપવામાં આવી હોવાનો મામલો પણ પોલીસ ચોપડે નોંધાયો હોવાનું જાણવા મળે છે.
આ તમામ ફરિયાદોના આધારે પીઆઈ વી.જે. રાઠોડ અને તેમની ટીમે આરોપી સંજય ચેતરીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હાલ પોલીસે વિવિધ મુદ્દાઓ અંગે ઊંડી પૂછપરછ શરૂૂ કરી છે.
અનાજના વેપારી પાસેથી 3 લાખ પડાવ્યાની વધુ એક ફરિયાદ
પોલીસ ફરિયાદ મુજબ, હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા નયનભાઈ સુરેશભાઈ ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના હાપા વેરહાઉસ પાછળ આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉન પર સંજય ચેતરિયા પહોંચ્યો હતો. ગોડાઉનમાં રહેલા સસ્તા અનાજના ઘઉંનો વીડિયો ઉતારી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી પકડાવી દેવાની તેમજ પોતાની ’સનાતન સત્ય સમાચાર’ યુટ્યુબ ચેનલમાં વીડિયો મૂકી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. વેપાર ચાલુ રાખવો હોય તો રૂૂપિયા આપવા પડશે તેમ કહી ગેરશબ્દો બોલી મોબાઇલ ફોન તથા વોટ્સએપ કોલ મારફતે પણ સતત ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ અનુસાર સંજય ચેતરિયાએ વેપારીને મૃત્યુનો ભય ઉભો કરી પોતાના સાગરીત દીપકભાઈને મોકલી બળજબરીપૂર્વક રૂૂ. 3 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂૂ. 2 લાખ મેળવવા માટે પણ ધમકીઓ ચાલુ રાખી કાવતરું રચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
