જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસની ’શી ટીમ’ સક્રિય બની છે. મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત પોશાક અને ડ્રેસકોડ માં વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી મહિલા ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. ગરબા ગ્રાઉન્ડ તથા તેની આસપાસ રોમિયોગીરી કરતા શખ્સોને પકડી તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ તથા દશેરાની ઉજવણી ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બની ગરબામાં ભાગ લઈ શકે તે માટે પોલીસ દ્વારા દેખરેખ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે.
સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા ની સૂચના થી ’શી ટીમ’ ના પીએસઆઇ વી.આર.ધોરીયા સહિત ની ટીમે વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પરંપરાગત પોશાકમાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓએ ખેલૈયાઓ વચ્ચે રહી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી હતી. આ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ અને આસપાસ રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિઓ તથા તેમનાં વાહનોની તપાસ સાથે વાહનોના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. બ્રેથએનલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નોરતામાં દારૂ ઢીંચેલા 11 ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં દારૂૂના નશામાં જાહેરમાં લથડિયાં ખાતા, હોબાળો કરતા તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત કાલાવડ, લાલપુર, જોડિયા અને ધ્રોલ પંથકમાં નશાની હાલતમાં મળી આવેલા કુલ 11 શખ્સો સામે જુદા જુદા પોલીસ મથકોમાં પ્રોહિબિશન હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. આ બનાવોમાં ગર્લફ્રેન્ડના ફોટા બતાવવાના મુદ્દે થયેલી બોલાચાલી અને નશામાં સર્પાકારે કાર ચલાવવાનો બનાવ પણ સામે આવ્યો છે. જામનગરના નવા 80 ફૂટ રોડ પર દ્વારકાધીશ હોટલ નજીક ગર્લફ્રેન્ડના ફોટા અન્ય મિત્રોને બતાવવાના મુદ્દે થયેલી બોલાચાલીમાં ચંદ્રેશભાઈ હીરજીભાઈ પેઢીયા (ઉં.વ. 32) નશાની હાલતમાં હોવાની વકીલ મહેશભાઈ યાદવે 112 હેલ્પલાઇન પર જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ચંદ્રેશભાઈ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અન્ય એક બનાવમાં જામનગરના સમર્પણ સર્કલ નજીક સર્પાકાર રીતે કાર ચલાવતા તપસ્વી મનસુખલાલ જોષી (ઉં.વ. 54, રહે. ખોડિયાર કોલોની)ને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.
