જામનગરના વર્ષો જૂના બાંધણીના ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને પગલે બાંધણીને લગત કાચા માલના ભાવો આસમાને પહોંચ્યા ખરીદીમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાતાં આશરે દોઢ લાખથી વધુ…

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને પગલે બાંધણીને લગત કાચા માલના ભાવો આસમાને પહોંચ્યા

ખરીદીમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાતાં આશરે દોઢ લાખથી વધુ મહિલાઓ અને કારીગરોની આજીવિકાને અસર

સૌરાષ્ટ્રના પેરિસ તરીકે પ્રખ્યાત જામનગરની શાન અને સદીઓથી દેશ-વિદેશમાં ડંકો વગાડનાર 300 વર્ષ જૂનો અને વિશ્વવિખ્યાત બાંધણી ઉદ્યોગ હાલમાં તેના ઈતિહાસની સૌથી ભયંકર અને અભૂતપૂર્વ મંદીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. વર્તમાન વૈશ્વિક કટોકટી, વિશેષ કરીને ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની વણસી રહેલી પરિસ્થિતિએ આ લઘુ ઉદ્યોગની કમર તોડી નાખી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાના પરિણામે પેટ્રોલિયમ પેદાશો અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો ઝીંકાયો છે, જેની સીધી અને નકારાત્મક અસર બાંધણીના ઉત્પાદનમાં વપરાતા કાચા કાપડ અને કલર કેમિકલના ભાવો પર પડી છે.

વેપારીઓ અને ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, છેલ્લા સાડા ત્રણ દાયકામાં બાંધણીના વ્યવસાયમાં આવી અકલ્પનીય અને ડરામણી મંદી ક્યારેય જોવા મળી નથી. ઉત્પાદન ખર્ચમાં થયેલા આ બેફામ વધારા સામે ગ્રાહકો ઊંચા ભાવો ચૂકવવા કે સ્વીકારવા તૈયાર ન હોવાથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં બાંધણીની માંગમાં 70 થી 80 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જે કાચા માલની સપ્લાય અગાઉ રોજેરોજ નિયમિતપણે થતી હતી, તે હવે માંડ 15 કે 20 દિવસે એકવાર આવી રહી છે, જેને પગલે ઉત્પાદન અને વેચાણનું સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ ગયું છે અને વેપારીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.

આ આર્થિક મંદી અને વ્યાપારિક પીછેહઠની સૌથી મોટી, સીધી અને હૃદયદ્રાવક અસર આ ઉદ્યોગના પાયા સમાન એવા લાખો શ્રમિકો અને વિશેષ કરીને ગ્રામીણ મહિલા કારીગરો પર પડી રહી છે. જામનગર અને તેની આસપાસના અનેક ગામડાઓની અનેક મહિલાઓ પોતાના ઘરકામમાંથી મળતા નવરાશના સમયમાં બાંધણીની બારીક અને કલાત્મક ગાંઠો બાંધવાનું કપરું કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે પગભર કરતી આવી છે. એક અંદાજ મુજબ, સમગ્ર જિલ્લામાં દોઢ લાખથી વધુ શ્રમિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઉદ્યોગમાંથી રોજગારી રળે છે. આ મહિલાઓને તેમની મહેનત અને કામની જટિલતા મુજબ સાડી કે દુપટ્ટા દીઠ 35 રૂૂપિયાથી લઈને હજારો રૂૂપિયા સુધીનું મહેનતાણું મળે છે, પરંતુ હાલના સમયમાં બજારમાં પૂરતું કામ ન મળવાના કારણે આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે.

જોડાયેલી મહિલા કારીગરોની વેદના છે કે મોંઘવારી આસમાને પહોંચી હોવા છતાં આજે પણ તેમને એક દુપટ્ટાના વર્ષો જૂના દર મુજબ માત્ર 30 રૂૂપિયા જ મળે છે, અને તેમાં પણ હવે કામ સાવ નહિવત થઈ ગયું છે. પોતાની પરંપરાગત રોજગારી છીનવાઈ જવાના ડરથી શ્રમિકોમાં ભારે નિરાશા અને હતાશા વ્યાપી ગઈ છે, જેના કારણે ઘણા કારીગરો ક-મને અન્ય મજૂરીકામ શોધવા મજબૂર બન્યા છે.જામનગરની આ અદ્વિતીય હસ્તકલા અને તેના પર નભતા લાખો પરિવારોના ગુજરાનને બચાવવા માટે હવે સ્થાનિક વેપારીઓ અને કારીગરો રાજ્ય તથા કેન્દ્ર સરકાર પાસે વિશેષ રાહત પેકેજ, યોગ્ય આર્થિક સહાય અને નીતિગત સહકારની આશા રાખી રહ્યા છે, જેથી સદીઓ જૂની આ અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરને કાયમ માટે લુપ્ત થતી અટકાવીને પુન: જીવંત રાખી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *