જામનગરમાં રહેતા પ્રૌઢને પેરાલીસીસનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને માથાના ભાગે ઇજા થતાં મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. પ્રૌઢમાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર મધુરમ વિલા સોસાયટીમાં રહેતા કપિલભાઈ રજનીભાઈ કવા નામના 46 વર્ષના પ્રૌઢ ગત તા.20 ના રોજ પોતાના ઘરે હતા ત્યારે પેરાલીસીસનો હુમલો આવતા પટકાયા હતા. પ્રૌઢને માથાના ભાગે ઇજા પહોંચતા જામનગર ખાનગી હોસ્પિટલમાં મગજનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ કપિલભાઈ કવાની તબિયત લથડતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ધોરાજીના ભૂખી ગામે રહેતા હસમુખ નાથાભાઈ વાઘેલા નામનો 42 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં સીમ વિસ્તારમાં હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
