સામાન્ય પ્રવાહમાં કુલ 8200 પરિક્ષાર્થીઓમાંથી માત્ર 585 અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1837 વિદ્યાર્થીઓમાંથી માત્ર 193 છાત્ર નાપાસ
જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા કુલ 89.90 ટકા જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે, જેના કારણે જિલ્લાભરમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1837 વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાંથી 1822 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જ્યારે 193 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. જયારે સામાન્ય પ્રવાહનું 92.99 ટકા પરિણામ આવ્યું છે.
પરિણામના ગ્રેડ મુજબ વિભાજન પર નજર કરીએ તો એ-1 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓ, એ-2 ગ્રેડમાં 599 વિદ્યાર્થીઓ, બી-1 ગ્રેડમાં 436 વિદ્યાર્થીઓ, બી-2 ગ્રેડમાં 382 વિદ્યાર્થીઓ, સી-1 ગ્રેડમાં 189 વિદ્યાર્થીઓ અને સી-2 ગ્રેડમાં 25 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જિલ્લાનું આ પરિણામ રાજ્ય સ્તરે પણ સકારાત્મક પ્રતિસાદ મેળવે તેવું માનવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ માતા-પિતાના સંયુક્ત પ્રયત્નોથી આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું શિક્ષણવિદોએ જણાવ્યું હતું.
સામાન્ય પ્રવાહમાં એ-વન ગ્રેડમાં 241 ટુ-ગ્રેડમાં 118, વિદ્યાર્થીઓ આવ્યા
જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા કુલ 92.99 ટકા જેટલું ઉત્તમ પરિણામ નોંધાયું છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 8200 જેટલા વિદ્યાર્થીઓમાંથી 8000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.
જેમાંથી 7415 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે.
ગ્રેડ પ્રમાણે પરિણામ પર નજર કરીએ તો એ-વન ગ્રેડમાં 241 વિદ્યાર્થીઓ, એ-ટુ ગ્રેડમાં 118 વિદ્યાર્થીઓ, બી-1 ગ્રેડમાં 886 વિદ્યાર્થીઓ, બી-2 ગ્રેડમાં 216 વિદ્યાર્થીઓ, સી-1 ગ્રેડમાં 164 વિદ્યાર્થીઓ, સી-2 ગ્રેડમાં 1009 વિદ્યાર્થીઓ, ડી ગ્રેડમાં 105 વિદ્યાર્થીઓ અને ઇ-ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓ સફળ થયા છે. જિલ્લાનું આ પરિણામ સંતોષકારક માનવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓના મહેનતભર્યા પ્રયત્નોનું પ્રતિબિંબ ગણાઈ રહ્યું છે.
શિક્ષકો અને વાલીઓના સહયોગથી વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હોવાનું શિક્ષણ વર્ગોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પરિણામને પગલે જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ ભવિષ્યમાં પણ વધુ ઉત્તમ પરિણામ માટે શિક્ષણ તંત્ર દ્વારા સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
