149મી રથયાત્રાને મુખ્યમંત્રી- હર્ષ સંઘવીએ ‘પહિંદ’ વિધિ કરાવી પ્રસ્થાન કરાવ્યું, જય જગન્નાથનો દિવ્ય નાદ ગુંજયો
પી.એમ. મોદીએ પ્રસાદના 8 બોકસ મોકલ્યા, 18 ગજરાજ, 101 ટ્રક, 2500થી વધુ સાધુ સંતો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સામેલ
અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે 149મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. પરંપરાગત ’પહિંદ’ વિધિ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના રથને ખેંચીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંદિર પરિસર અને સમગ્ર શહેર ’જય જગન્નાથ’ તેમજ ’જય રણછોડ માખણ ચોર’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પ્રથમ રથ મંદિરના પટાંગણમાંથી બહાર નીકળતા ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 મંડળી સાથે 2500થી વધુ સાધુ સંતો સામેલ હતા.
રથયાત્રાની શરૂૂઆત પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. પરંપરા અનુસાર બંને મહાનુભાવોએ ભગવાનના રથની આગળ ’પહિંદ’ વિધિ કરી હતી. આ વિધિ ભગવાન સમક્ષ સેવા, સ્વચ્છતા, સમાનતા અને નમ્રતાનું પ્રતિક માનવામાં આવે છે. વિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ ભગવાનના રથને ખેંચીને 149મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. જેમ જ પ્રથમ રથ મંદિરના મુખ્ય દ્વાર બહાર આવ્યો, તેમ સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું અને હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
રથયાત્રા પહેલાં વહેલી પરોઢે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજીના હસ્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓને ગર્ભગૃહમાંથી વિધિવત બહાર લાવી ત્રણેય ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી. આ પવિત્ર વિધિના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં હાજર રહ્યા હતા. ભગવાનના રથમાં બિરાજમાન થતાં જ શંખનાદ, ઘંટનાદ અને જયઘોષ વચ્ચે સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું.
રથયાત્રા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ માટે વિશેષ પ્રસાદ મોકલાવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના તરફથી ફળો અને ડ્રાયફ્રૂટથી ભરેલા આઠ બોક્સ મંદિર પહોંચાડવામાં આવ્યા હતા. પ્રસાદમાં જાંબુ, દાડમ, કાકડી, કેરી અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મંદિર દ્વારા આ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત જાળવવામાં આવી રહી છે.
રથયાત્રાના દિવસે ભગવાનને વિશેષ ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. મંદિર દ્વારા એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંપરાગત રીતે તૈયાર થતો આ ખીચડો ડ્રાયફ્રૂટ, ગવારફળી અને અન્ય સામગ્રીથી બનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન મોસાળથી પરત ફર્યા બાદ તેમને આંખોની તકલીફ થઈ હતી, તેથી તેમની આરોગ્યપ્રાપ્તિના ભાવથી આ વિશેષ ભોગ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રસાદ હજારો ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ ભગવાન જગન્નાથનો પ્રથમ રથ મંદિરમાંથી બહાર નીકળ્યો અને યાત્રાએ ગતિ પકડી. રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉભા રહ્યા હતા. અનેક સ્થળોએ ફૂલવર્ષા, આરતી અને સ્વાગતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરની પોળો, ગલીઓ અને મુખ્ય માર્ગો પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાનના એક ઝલક દર્શન માટે લોકો કલાકો અગાઉથી રસ્તા પર આવી પહોંચ્યા હતા.
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દેશની સૌથી ઐતિહાસિક અને મહત્વપૂર્ણ રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થાનો જ નહીં પરંતુ સામાજિક સમરસતા, સેવા અને સાંસ્કૃતિક વારસાનો પણ અનોખો ઉત્સવ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે તેવી માન્યતા છે. તેથી આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે રથયાત્રામાં જોડાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને સમગ્ર અમદાવાદ ભક્તિરસમાં રંગાઈ જાય છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે શહેર પોલીસ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે રથયાત્રા દરમિયાન 10 જેટલા IG/DIG સ્તરના અધિકારીઓ, 42 DCP, 93 ACP, 303 PI, 673 PSI સહિત કુલ 30 હજારથી વધુ પોલીસ જવાનો, 3 હજાર જછઙ જવાનો અને 1 હજાર પેરામિલિટરી ફોર્સ તૈનાત છે.સમગ્ર રૂૂટ પર 3,700થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં એઆઇ આધારિત ફેસ રિકગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત 100 ડ્રોન કેમેરા, 250 ડીપ પોઇન્ટ, 250 ધાબા પોઇન્ટ અને તમામ રથ તથા ટ્રકોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. રથયાત્રા દરમિયાન 12 અલગ-અલગ કંટ્રોલ રૂૂમમાંથી સમગ્ર રૂૂટ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હાથીઓ સાથે પગપાળા ચાલ્યા મહંત દિલીપદાસજી મહારાજ
રથયાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હાથીઓની સાથે ચાલતા જોવા મળ્યા છે. ગયા વર્ષે રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થવાની બનેલી ઘટનાને પગલે આ વખતે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે ખુદ મહંત હાથીની સાથે ચાલી રહ્યા છે અને સુરક્ષાના વધારાના પગલાં તરીકે આ વર્ષે હાથીના પગમાં લોખંડની સાંકળો પણ બાંધવામાં આવી છે.
CP અનુપમસિંહે કંટ્રોલ રૂમ પહોંચી મેળવી લાઈવ અપડેટ
અમદાવાદ રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા અત્યારે ચુસ્ત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે! પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે એક્શન મોડમાં જોવા મળ્યા છે અને તેઓ સીધા કંટ્રોલ રૂૂમ ખાતે પહોંચ્યા છે. સીપી અનુપમસિંહ ગેહલોતે કંટ્રોલ રૂૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની લાઈવ અપડેટ્સ મેળવી છે. સમગ્ર રથયાત્રાના રૂૂટ પરના દરેક પોઇન્ટ પર હાઈટેક સીસીટીવી અને ડ્રોન કેમેરાથી પળેપળનું ડિજિટલ મોનિટરિંગ થઈ રહ્યું છે.
પ્રતિબંધ છતાં અમદાવાદ રથયાત્રામાં ઉડયા બે ડ્રોન, પોલીસ દોડતી થઈ
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શહેરમાં સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત વચ્ચે રથયાત્રાના માર્ગ પર ઉડતા બે ખાનગી ડ્રોનને પોલીસે તાત્કાલિક નીચે ઉતરાવી લીધા હતા. રથયાત્રાના સમગ્ર રૂૂટ પર પૂર્વ મંજૂરી વિના કોઈપણ પ્રકારનો ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં બે ખાનગી ડ્રોન હવામાં ઉડી રહ્યા હોવાનું એન્ટી-ડ્રોન સિસ્ટમમાં જણાતા સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ખામી ન રહે તે માટે સમગ્ર રૂૂટ પર આધુનિક એન્ટી-ડ્રોન ટેકનોલોજી તૈનાત કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા હવામાં ઉડતા શંકાસ્પદ ડ્રોનની ઓળખ થતાં જ સંબંધિત ટીમે કાર્યવાહી કરીને બંને ડ્રોનને સુરક્ષિત રીતે નીચે ઉતરાવ્યા હતા. ત્યારબાદ ડ્રોન કોના હતા અને તેઓ મંજૂરી વિના કેમ ઉડાડવામાં આવ્યા હતા તે અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે.
