નિતીશના બિહાર સિંહાસન ત્યાગના રહસ્યો સમજતા દેશને વાર લાગશે

નીતીશ કુમારે અચાનક જ બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપીને રાજ્યસભામાં જવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. હોળીનો માહોલ છે તેથી ધુળેટીના દિવસે આ વાત બહાર…

નીતીશ કુમારે અચાનક જ બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપીને રાજ્યસભામાં જવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. હોળીનો માહોલ છે તેથી ધુળેટીના દિવસે આ વાત બહાર આવી ત્યારે પહેલાં તો સૌને લાગેલું કે હોળીની મજાકમાં આ વાત વહેતી થઈ છે તેથી વાતને ગંભીરતાથી નહોતી લેવાઈ. ધુળેટીના બીજા દિવસે નીતીશે પોતે રાજ્યસભામાં જવાનું એલાન કરીને આ વાત સાચી હોવાનું જાહેર કર્યું ત્યારે સૌને ખરેખર આંચકો લાગી ગયો કેમ કે નીતીશ માટે અત્યારે વિદાય થવાનું કોઈ કારણ નથી. મુખ્ય પ્રધાનપદે નીતીશની આ દસમી ટર્મ છે ને 20 વર્ષથી એ મુખ્ય પ્રધાનપદે જામેલા છે.

વચ્ચે જીતનરામ માંઝીને સવા વર્ષ મુખ્ય પ્રધાન બનાવ્યા એ સિવાય 2005થી નીતીશ બિહારની ગાદી પર ગૂંચળું વાળીને બેઠા છે. ભાજપે તેમને હટાવવા માટે બહુ મથામણ કરી જોઈ પણ નીતીશ મચક નહોતા આપતા. સત્તા ટકાવવા માટે નીતીશ કુમારે બે વાર તો ભાજપને તડકે મૂકીને લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ સાથે નાતરાં પણ કરી લીધાં. એ પછી ભાજપે પણ હથિયાર હેઠાં મૂકીને પડ્યું પાનું નિભાવી લેવાનું નક્કી કરીને નીતીશ કુમારને સ્વીકારી લીધા હતા તેથી નીતીશ પર કોઈ ખતરો નહોતો.

નીતીશે રાજીનામું આપવા માટે અત્યંત હાસ્યાસ્પદ કારણ આપ્યું છે. નીતીશના કહેવા પ્રમાણે પોતે રાજકારણમાં આવ્યા ત્યારે નક્કી કરેલું કે, ધારાસભામાં બંને ગૃહ વિધાન સભા અને વિધાન પરિષદ તથા સંસદનાં બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવાની પોતાની મહેચ્છા હતી. પોતે વિધાનસભા, વિધાન પરિષદ અને લોકસભાના સભ્ય બન્યા પણ રાજ્યસભાના સભ્ય બનવાની ઈચ્છા પૂરી નહોતી થઈ. હવે પોતે આ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છે. નીતીશ લોકોને મૂરખ સમજીને ઉઠાં ભણાવી રહ્યા છે પણ આ વાત કોણ માને ? કોઈ રાજ્યસભામાં સભ્ય બનવા માટે એક રાજ્યના સર્વસત્તાધીશ એવા મુખ્ય પ્રધાનનો હોદ્દો છોડે ખરું ? ને એ પણ નીતીશ કુમાર ? હવે નીતીશનો સંમય તૂટ્યો છે અને નિશાંતની રાજકારકણમાં એન્ટ્રી થશે એવી જાહેરાત હોળીના દિવસે નીતીશ સરકારના મંત્રી શ્રવણકુમારે કરી જ છે.

આ એન્ટ્રીને ધમાકેદાર બનાવવા માટે નિશાંતને પોતાના સ્થાને મુખ્ય પ્રધાનપદે કે પછી ભાજપને મુખ્ય પ્રધાનપદ આપીને નિશાંતને નાયબ મુખ્ય પ્રધાનપદે બૈસાડવાની સોદાબાજી નીતીશે કરી હોય એ શક્યતા નકારી ના શકાય. પોતે રાજ્યસભાના સભ્ય બનીને કેન્દ્ર સરકારમાં મંત્રી બની જાય ને દીકરો બિહારમાં સત્તાસ્થાને ગોઠવાઈ જાય એવી સોદાબાજી ભાજપ સાથે કરી હોય એ શક્ય છે. નીતીશ? રાજકારણના અઠંગ ખેલાડી છે એ જોતાં એ ગમે તે કરી શકે. નીતીશે શું કર્યું છે તેની ખબર દસેક દાડામાં પડી જશે. રાજ્યસભાની ચૂંટણી 16 માર્ચે થવાની છે ને એ પહેલાં નીતીશના સ્થાને કોને બેસાડવા તેનો નિર્ણય ભાજપ-જેડીયુએ લેવો જ પડશે એ જોતાં જે હશે એ વાજતું ગાજતું સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *